• સોમવાર, 20 એપ્રિલ, 2026

રાજ્યપાલ દ્વારા કચ્છી કલાકારનું સન્માન

ચોબારી, તા. 15 : ભારતના બંધારણના શિલ્પી ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી  નિમિત્તે ગાંધીનગર રાજભવન ખાતે યોજાયેલા સામાજિક સમરસતા મહોત્સવ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિએ બાબાસાહેબના જીવનમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું. શિક્ષણ મેળવીને બાબાસાહેબની સંઘર્ષગાથા સાથે પોતે પણ સામાન્ય પરિવારમાંથી આવીને જેવી રીતે શિક્ષણ થકી આગળ આવ્યા તેની આત્મકથારૂપે ઉદાહરણ પૂરું પાડયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યના તમામ  જિલ્લામાં જઇ જ્યાં-જ્યાં લોકોને મળ્યા અને તેઓના ઘરે ભોજન લીધું હતું. તે સૌને પોતાના મહેમાન બનાવી રાષ્ટ્રપતિની સાથે ભોજન ગોઠવ્યું હતું. ગામડાંના સામાન્ય નાગરિકોએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સાથે ભોજન લઇ સમરસતાનું ઉદાહરણ પૂરું પાડી બાબાસાહેબના જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. કચ્છની ટીમને વિશેષ આમંત્રણ આપ્યું હતું, જે સમગ્ર ટીમનું કો-ઓર્ડિનેશન હિતેશભાઇ વારા અને રતિલાલ શેઠિયાએ કર્યું હતું. કચ્છી કલાકારોના ટીમ લીડર તરીકે રામજી મેરિયાનું સન્માન રાજ્યપાલ દ્વારા કરાયું હતું. કલાકાર વૃંદમાં દાના ભારમલ, વિજય પરમાર, અમજત સોઢા, લક્ષ્મણ જોગી સહિતના કલાકારોએ મહાનુભાવોની સમક્ષ કચ્છી કલા રજૂ કરી હતી. કચ્છની ટીમમાં હરેશભાઇ સાધુ, રમાબેન વારાએ સહયોગ આપ્યો હતો. કચ્છની પ્રાકૃતિક ખેતીથી પ્રભાવિત રાજ્યપાલે કચ્છની લોકકલાના પણ વખાણ કર્યા હતા. આગામી સમયમાં કચ્છમાં એક વિશેષ કાર્યક્રમ માટે રામજી મેરિયા દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યું હતું. પદ્મશ્રી હેમંત ચૌહાણ, રાજલ પરમાર તેમજ અન્ય કલાકારોને પણ રાજ્યપાલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. 

Panchang

dd