• સોમવાર, 30 માર્ચ, 2026

પાણીનું સંરક્ષણ માત્ર માનવ માટે નહીં, સમગ્ર જીવસૃષ્ટિ માટે અનિવાર્ય

કોટડા (ચકાર.), તા. 29 : આજે વિશ્વ જળદિવસની ઉજવણી પ્રસંગે પાણીનું મહત્ત્વ અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવી, આવા સમયમાં કચ્છ જિલ્લામાં પરંપરાગત જળસ્ત્રોતોના પુનર્જીવનની જરૂરિયાત વધુ સ્પષ્ટ બની છે. ગુજરાતની જીવાદોરી સમી નર્મદાનાં જળ કચ્છમાં ઘણા સ્થળે પહોંચી રહ્યાં છે, એક સમય એવો હતો, જ્યારે વન-વગડામાં તરસ  છીપાવવા તત્કાલીન દાનવીરોએ કૂવા અને સેલોર વાવ ખોદાવ્યા હતા. હાલ આ વાવોની દેખરેખ ન થતાં ખંડેર બની ગઈ છે  કચ્છમાં હંમેશાં વરસાદ અને પાણી માટે તરસતી પરિસ્થિતિ વચ્ચે હવે ગરમીનો પારો ઊંચકાયો છે. વનવગડામાં આવેલાં તળાવો, નદીઓ, નાળાં અને ડેમ ધીમે ધીમે સૂકાવા લાગ્યા છે. સમય જતાં પશુ-પક્ષીઓ માટે પાણીની મુશ્કેલી વધવાની ભીતિ છે. એક સમયે સુના વગડાઓમાં વટેમાર્ગુઓ અને પશુ-પક્ષીઓ માટે સેલોર વાવ આશીર્વાદરૂપ બનતી હતી. આજે તે ખંડેર બની ગઈ છે. તાલુકાના લક્કી ડુંગરોમાં સૂતેશ્વર મહાદેવ મંદિરનાં તળાવના કિનારે આવેલી રાજાશાહી યુગની સેલોર વાવનું ઉદાહરણ નોંધપાત્ર છે. થોડા સમય પહેલાં દાતા દ્વારા વાવને પુન:જીવિત કરી હતી, પરંતુ હાલ ફરી તે બિનજતનનાં કારણે ખંડેર બની ગઈ છે.  પશુ-પ્રેમીઓ, દાતાઓ અને તંત્ર દ્વારા જો કચ્છના વિવિધ વિસ્તારોમાં આવી ખંડેર બનેલી વાવનું પુનર્જીવન કરવામાં આવે, તો સીમ વિસ્તારમાં વિચરતા માલધારીઓ, પશુ-પક્ષીઓ અને અન્ય જીવજંતુઓ માટે કાળઝાળ ઉનાળામાં તે આશીર્વાદરૂપ બની શકે છે. પાણીનું સંરક્ષણ માત્ર માનવ માટે જ નહીં, પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે. યોગ્ય આયોજન અને જાગૃતિ દ્વારા પરંપરાગત જળસ્ત્રોતોને ફરી જીવંત બનાવવાની જરૂરિયાત સમયની માંગ બની છે  

Panchang

dd