• સોમવાર, 30 માર્ચ, 2026

ભુજના હમીરસર તળાવમાં ગેરકાયદે થતી માછીમારીનો પર્દાફાશ

ભુજ, તા. 29 :  શહેરના હમીરસર તળાવ ખાતે અડધી રાત્રે  3-30 વાગ્યાના અરસામા ગેરકાયદે માછીમારીની ઘટના સામે આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રિના સમયે તળાવમાં એક શંકાસ્પદ બેગ/થર્મોકોલ બોક્સ તરતું નજરે પડ્યું હતું. નજીક જઈ તપાસ કરતાં પ્રથમ દ્રષ્ટિએ કચરો હોવાનું લાગ્યું, પરંતુ ધ્યાનપૂર્વક જોતાં બે મોટા ટ્યૂબની મદદથી કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા માછીમારી કરવામાં આવી રહી હોવાનો સંદેહ થયો હતો. સ્થળ પર તપાસ કરતાં એક પ્લાસ્ટિકના થેલામાં જાળી મળી આવી. શંકાસ્પદ લોકોને અવાજ આવતાં તેઓ અંધારાનો લાભ લઈ  ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ કોથળો ખોલતાં અંદાજે 15 જેટલી માછલીઓ જાળીમાં ફસાયેલી જોવા મળી, જેમાંથી ફક્ત ત્રણ જ જીવિત મળી આવી હતી. આ દરમિયાન સાકીબ લાડકા સ્થળ પર હાજર રહી જાળીમાં ફસાયેલી જીવિત માછલીઓને મુક્ત કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.  ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ વહેલી સવારે ફોરેસ્ટ માન્ય રેસ્ક્યૂઅર ટીમના-રિશી ગોસ્વામી, ગોપાલભાઈ અને સેવાભાવી યુવાનો દ્વારા તળાવમાં ઊતરી તપાસ હાથ ધરાતાં તળાવમાં ખૂબ મોટી જાળી પથરાયેલી જોવા મળી હતી જેમાં મોટી સંખ્યામાં માછલીઓ ફસાયેલી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભુજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. જાણ થતાં જ ફાયર ટીમ બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં 150થી વધુ મૃત માછલીઓ મળી આવી, જ્યારે 40થી વધુ જીવિત માછલીઓને જાળીઓમાંથી મુક્ત કરી ફરી તળાવમાં છોડવામાં આવી હતી. આ કામગીરીમાં ફાયર વિભાગના જિજ્ઞેશભાઈ જેઠવા, કરણભાઈ જોશી, વિશાલ ગોર, મોહન રબારી તેમજ તાલીમી સ્ટાફના યુવાનો જોડાયા હતા. 

Panchang

dd