• રવિવાર, 29 માર્ચ, 2026

મેઘપર બોરીચી-કુંભારડી માટે 129 કરોડના પાણીના પ્રકલ્પને સરકારની મંજૂરી

ગાંધીધામ, તા. 27 : મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડીની પીવાનાં પાણીની સમસ્યા હલ કરવા માટે પ્રકલ્પ તૈયાર કરીને રાજ્ય સરકારમાં મૂકવામાં આવ્યો હતો. સરકાર દ્વારા 129 કરોડનાં પાણીના પ્રકલ્પને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે, જેનાં પગલે મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને લગભગ આગામી દોઢથી બે વર્ષમાં 238 કિ.મી. આંતરિક લાઈનો નાખવા સહિતનો આખો પ્રકલ્પ પૂર્ણ કરવામાં આવશે. ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા બે શહેરો અને 11 ગામડાંઓ પૈકી મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડી સૌથી વધુ સમસ્યાઓથી ઘેરાયેલા છે. અહીં ગટરની ગંભીર સમસ્યાનાં કારણે લોકો મુશ્કેલીઓનો સામનો કરે છે. પીવાનું પાણી પણ મળતું નથી. તત્કાલીન સમયની ગ્રામ પંચાયત લોકોને સેવાઓ આપવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો છે. દરમિયાન આ બંને ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ થયા પછી લોકોને સુવિધા મળશે તેવી આશાઓ દેખાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર તરીકે મનીષ ગુરુવાણી આવ્યા પછી તેમણે આ બંને ગામોની ગટર સમસ્યાને ધ્યાને લઈને એજન્સીને સર્વે સોંપ્યો હતો. ત્યારપછી આખો પ્રકલ્પ તૈયાર કર્યો હતો અને 104 કરોડના ખર્ચે ગટરલાઈન તથા પમ્પિંગ સ્ટેશન બનાવવાના પ્રકલ્પ અને સરકારની મંજૂરી મળી ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે. - કમિશનર દ્વારા લોકોને પાણીના પ્રકલ્પને સરકારની મંજૂરી : પીવાનું પાણી મળી રહે તે માટે 129 કરોડનો માસ્ટર પ્લાન તૈયાર કરીને સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી જેને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. 238 કિ.મી. આંતરિક લાઈનો નાખવામાં આવશે. આ ઉપરાંત મેઘપર બોરીચી તથા કુંભારડીમાં બે ઇએસઆર બનાવવામાં આવશે. બે વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે એટલે લોકોને પીવાનાં પાણીની સમસ્યામાંથી છુટકારો મળે તેવી સંભાવના છે. - પાણી સમસ્યાથી રાહત મળશે : અંજાર, તા. 27 : અંજાર મતવિસ્તારમાં આવતા અને ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી માટેના 129 કરોડના પ્રકલ્પને સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપતાં આ વિસ્તારમાં આવેલી 160થી વધુ રહેણાક સોસાયટીના 80થી 90 હજાર લોકોની પાણી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.  રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વિસ્તારની પાણી સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, તેને મંજૂર કરવામાં  આવી છે, તેમ કહીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરાસિંહ પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પાણીયોજનાને મંજૂરી મળતાં અંજાર તાલુકા ભાજપ  પ્રમુખ બી.એન આહીર, માનદમંત્રી કાનજીભાઈ શેઠ, રૂપાભાઈ રબારી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શોભનાબા જાડેજા, મશરૂ રબારી, પરમાભાઇ પટેલ, અજિતાસિંહ રાજપૂત, હિતેન્દ્રાસિંહ સરવૈયા તેમજ અંજાર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડેનીભાઈ શાહે આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

Panchang

dd