• રવિવાર, 29 માર્ચ, 2026

કચ્છના કિસાનોને કારોબારી બનાવશે કૃષિ મેળો

ભુજ, તા. 27 : કિસાનો ખેતી પરસેવો પાડીને કરે છે, તે મહેનતમાં મૂલ્યવૃદ્ધિનો ઉમેરો પણ કરે, તો સોનાંમાં સુગંધ ભળે. રેતીમાંથી રતન પકવવાના પરિશ્રમ સાથે પ્રોસેસિંગ પણ કરવા માંડો અને પછી સીધી બજારની વાટ પકડે તો આવક બમણી જ નહીં, પરંતુ અનેકગણી કરવાનું સ્વપ્ન સાકાર કરી શકાય, તેવા સંદેશ સાથે ભુજ શહેરના આંગણે વધુ એકવાર હાઈટેક કૃષિ મેળો યોજાવા જઈ રહ્યો છે. સમાજપોષક સંસ્થાની ભૂમિકા પણ નિષ્ઠાપૂર્વક ભજવતાં રહેલાં અગ્રણી ઉદ્યોગગૃહ એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મુખ્ય પ્રાયોજક તરીકે આ પ્રવૃત્તિને પીઠબળ મળી રહ્યું છે. સાથોસાથ અદાણી ફાઉન્ડેશન, અદાણી પેટ્રોકેમિકલ્સના સહયોગથી ભુજ શહેરની ભાગોળે મિરજાપર રોડ સ્થિત પ્રાઈમ લોકેશન ગ્રાઉન્ડ પર ત્રીજી એપ્રિલ, શુક્રવારથી ચાર દિવસ માટે યોજાઈ રહેલા કૃષિ મેળાના મંચ પરથી ખેડૂતોને સ્માર્ટ ફાર્મિંગ, સ્માર્ટ માર્કેટિંગ, ફૂડ પ્રોસાસિંગ, માર્કેટ લિંકેજ (બજાર સાથે સેતુ) સહિત વિવિધ મુદ્દે માર્ગદર્શન અપાશે. કચ્છી જનમનમાં વસતાં અખબાર `કચ્છમિત્ર'ના મહત્ત્વપૂર્ણ સહયોગથી `નર્મી' સંસ્થા દ્વારા યોજિત આ કૃષિ મેળો ધરતીપુત્રો માટે વાવેતરથી માંડીને વેચાણ સુધીની માર્ગદર્શિકા બની રહેશે. - કૃષિ મેળામાં એગ્રોસેલની અનોખી ઓફર ચૂકતા નહીં : હાઈટેક કૃષિ મેળામાં વિવિધ કંપની ચોતરફથી ખેડૂતોને પ00થી પ0 હજાર રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ સહિતની ઓફરો પણ આકર્ષણ જમાવશે. `ખેડૂતોના ઉત્સવ' સમાન ચાર દિવસીય કૃષિ મેળામાં ફેસ્ટિવલ ઓફરની જેમ મુખ્ય પ્રાયોજક `એગ્રોસેલ' તરફથી મહાલાભ પાઉડર અથવા દાણાદાળ ખાતરની 2પ કિલો બેગની ખરીદી પર ખાસ ડિસ્કાઉન્ટ કૂપન અપાશે. આવી તમામ ડિસ્કાઉન્ટ ઓફરો ખેડૂતોને કૃષિ મેળાના ચાર દિવસ પૂરતી જ કંપનીઓ તરફથી અપાશે. ખેતીમાં ડ્રોન, સેન્સર અને સોલાર ટેક્નોલોજી લાવતી નવી કંપનીઓ સાથે જોડવાની તક તેમજ ટ્રેક્ટર, થ્રેસર અને લણણીનાં સાધનોના નિમાર્તાઓ સાથે સંપર્કનો સેતુ પણ મેળામાં રચાશે. - `સેતુ' સેમિનારમાં તજજ્ઞોનો લાભ અચૂક લેવા આમંત્રણ : ચાર દિવસીય કૃષિ મેળા દરમ્યાન ચોથી અને પાંચમી એપ્રિલના બે દિવસ સવારે 10થી 12 વાગ્યા સુધી સેમિનારોમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપશે. ચોથી તારીખે શનિવારે રતિલાલભાઈ શેઠિયા, ડો. સુરેશ આચાર્ય, મનોજભાઈ સોલંકી માર્ગદર્શન આપશે, તો પાંચમી એપ્રિલ, રવિવારે હરેશભાઈ ઠક્કર, બટુકસિંહ જાડેજા અને બાગાયાત નિયામક મનદીપ પરસાણિયા માર્ગદર્શન આપશે. આયોજકો, પ્રાયોજકોએ કચ્છભરમાંથી ઉમંગભેર ઊમટી પડવા-કૃષિ મેળાનો લાભ લેવાની અપીલ કરી હતી. 

Panchang

dd