અંજાર, તા. 27 : અહીંના રામઘનશ્યામ જન્મોત્સવ
ટ્રસ્ટ દ્વારા રામનવમીની ઉજવણી નિમિત્તે ગુજરાતની બીજા નંબરની 42મી ભવ્ય રથયાત્રા શહેરના
મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ હતી, જેને
લઈને અંજાર શહેર અને ગ્રામ્ય વિસ્તાર રામભક્તિના
રંગે રંગાયુ હતું. બે કિલોમીટર લાંબી રથયાત્રામાં
72 જેટલી કૃતિઓ નિહાળવા માટે આસ્થાળુઓનું
ઘોડાપૂર ઊમટયું હતું. ભગવાન રામના પ્રાગટય
પર્વને લઈને આજે સવારથી રામમંદિરમાં દર્શન માટે લાઈનો લાગી હતી. અતિ પ્રાચીન રઘુનાથજી
મંદિર, રામસખી મંદિર, સ્વામિનારાયણ
મંદિરમાં વિશેષ પૂજા-આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ વર્ષે અયોધ્યા રામમંદિરની થીમ ઉપર પ્રભુ રામના વાઘા તૈયાર કરાયા હતા. રામનવમી
નિમિત્તે આજે બપોરે સ્વામિનારાયણ મંદિરના ડોમ ખાતે ધર્મસભા યોજાઈ હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત મંત્રી
દેવજીભાઈ મ્યાત્રા, સ્વામિનારાયણ મંદિરના મહંત,
સંતો તેમજ મહેશ્વરી સમાજના ધર્મગુરુ ખીમજીદાદા માતંગે સમાજના સંગઠન અને
જાગૃતિ પર ભાર મૂકી ધર્મ-સમાજની એકતા પર ભાર મૂકયો હતો. ધર્મસભામાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ
છાંગા, મહેશભાઈ ઓઝા, પૂર્વ રાજ્યમંત્રી
વાસણભાઈ આહીર તેમજ વિવિધ સમાજના પ્રમુખો,
હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રાના મુખ્ય રથનો
સાધુ-સંતોના પૂજન બાદ વાલ્મીકિ સમાજના કર્મયોગીઓના હસ્તે પ્રારંભ કરાવાયો હતો. દબડા વિસ્તારમાં આવેલા રાજા કાપડી
દાદાનાં મંદિરે પૂજનવિધિ બાદ સવાસરનાકા રઘુનાથજી
મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. 4 કિલોમીટર લાંબી રથયાત્રામાં 15થી
વધુ સ્થાયી ફલોટ તેમજ 70 જેટલા ચલકૃતિઓમાંથી 46થી વધુ કૃતિઓ વચ્ચે હરીફાઈ યોજાઈ હતી. રથયાત્રાના રૂટે 50થી વધુ સેવાકીય સ્ટોલ ઊભા કરાયા હતા તેમજ
દેવળિયા નાકા, બસ સ્ટેશન રોડ,
12 મીટર રોડ, વિવિધ સોસાયટી વિસ્તારોમાં ભગવાન રામની રથયાત્રા
આસ્થાળુઓ નિહાળી શકે તે માટે લાઈવ પ્રસારણની વ્યવસ્થા ઊભી કરાઈ હતી તેમજ ફાયર
સેફટી અને આરોગ્ય સુવિધાની સાથે રથયાત્રા નીકળી હતી. ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રામાં પ્રભુ રામના
જીવન આધારિત ફલોટોમાં યજ્ઞોકુંડની રક્ષા કરતા
રામ, ધનુષ્ય ભંગ, કૈકયી વરદાન, દશરથ રાજાને શ્રવણના માતા-પિતાનો શ્રાપ, રામવનવાસ,
દશરથ રાજાનો વિલાપ, સીતા હરણ, શબરી મિલન, રામ-ભરત મિલાપ, લંકા
દહન, રામેશ્વર મહાદેવની સ્થાપના, રામસેતુ,
રામ-રાવણ યુદ્ધ, રામ રાજ્યાભિષેક, માણકી ઘોડી, રામ
દરબારનો મુખ્ય રથ, સાથે કરાટે, નટરાજની
આરાધના, યોગ, નારીશક્તિ ગાથા, ઓધવરામજીનું જીવનચરિત્ર, ભારતા માતાની કૃતિ, ઘોડેસવારી સાથે છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી,
મેકરણદાદા સહિતની કૃતિએ આકર્ષણ
જમાવ્યું હતું. 17 વર્ષથી જય જોગણી ગ્રુપ દ્વારા સવાસર નાકા પાસે આયોજિત સેવાકીય
કેમ્પને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને સ્વામિનારાયણ મંદિરના સંતો વિગેરે અગ્રણીઓ
દ્વારા ખુલ્લો મુકાયો હતો. ગ્રુપના પ્રદીપગિરિ ગોસ્વામી, નકુલભાઈ, ગોપાલભાઈ આહીર,
ભાવિનભાઈ ઠકકર, શિવમ ગુંસાઈ, કિશોરભાઈ સોરઠિયા, ભરતભાઈ ગોસ્વામીનું અભિવાદન કરાયું
હતું. નયા અંજાર ટાવર પાસે વર્ષોથી મંગલજી ખીમજી માથકિયા પરિવારના જગદીશભાઈ માથકિયા,
હસમુખભાઈ માથકિયા દ્વારા કરાતી સેવાને લોકોએ બિરદાવી હતી. રથયાત્રામાં 1100થી વધુ સ્વયંસેવકો ટ્રાફિક
સહિતની સેવાઓમાં જોડાયા હતા. આ રથયાત્રામાં
હૈયેહૈયું દળાય તેટલા આસ્થાળુઓ ઊમટી પડયા હતા, જેને કારણે સમગ્ર શહેરી વિસ્તાર રામભક્તિના
રંગે રંગાયો હતો. અંજારમાં નીકળેલી રથયાત્રાને કચકડે કંડારવા માટે ફોટોગ્રાફી સ્પર્ધા
આયોજિત કરાઇ હતી. આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી 100થી વધુ ફોટો અને વીડિયોગ્રાફરોએ
ભાગ લીધો હતો.