ભુજ, તા. 10 : પ્રવર્તમાન યુગમાં એ.આઈ.નું ચલણ નોંધનીય રીતે વિસ્તરી રહ્યું છે. કેન્દ્ર અને ગુજરાત
સરકાર પણ ડિજિટલ ક્ષેત્રના વિકાસ માટે યોગદાન
આપવા માતબર રકમનું ફંડ ફાળવી રહી છે, ત્યારે કચ્છમિત્ર અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટે દિશાસૂચક પહેલ કરી એ.આઈ. સમિટ અને
એ.આઈ. માસ્ટરક્લાસનાં માધ્યમથી ડિજિટલ ગુજરાતનો રોડમેપ તૈયાર કરવામાં યોગદાન આપ્યું
છે. એ.આઈ. અને સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ થાય અને ઉદ્યોગ સાહસિકો માટે એ.આઈ. કઈ રીતે
લાભદાયી સાબિત થાય તેવા ઉમદા હેતુ સાથે કચ્છમિત્ર-સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા ગુજરાતની
બિઝનેસ કોમ્યુનિટી માટે એ.આઈ. સમિટનું આયોજન
કરાયું છે. આ સમિટનાં માધ્યમથી ડિજિટલ ગુજરાતનો મુંબઈ, રાજકોટ
અને કચ્છમાં રોડમેપ તૈયાર કરવાની દિશામાં મક્કમ ડગ મંડાયા છે. - વહીવટમાં હવે ડિજિટલ ક્ષેત્રને અગ્રતા : ગુજરાત સરકાર હવે વહીવટમાં ડિજિટલ ક્ષેત્રને
અગ્રતા આપી રહી છે. રાજ્ય સરકારે અનેક સેવાઓ હવે ઘરબેઠા લોકો ઓનલાઈન મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે. ડિજિટલ
ગુજરાતની રચનામાં એક મહત્ત્વનો સહયોગ કચ્છમિત્ર અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટની આ પહેલ મારફત
મળવાનો છે. કચ્છ ઉપરાંત રાજકોટ અને મુંબઈમાં પણ આ પ્રકારનાં આયોજન કરવા માટેની તૈયારીઓ
આદરાઈ છે. - માસ્ટરક્લાસમાં નિષ્ણાતો આપશે
સફળ થવાનો મંત્ર : કચ્છના ઉદ્યોગ
સાહસિકો માટે ભુજ અને ગાંધીધામમાં સૌથી મોટી લર્નિંગ ઈવેન્ટ એ.આઈ. અને સોશિયલ મીડિયા માસ્ટરક્લાસ ભુજ અને ગાંધીધામમાં આયોજિત કરાયો છે.
13 માર્ચના સાંજે 4 કલાકે ગાંધીધામમાં ચેમ્બર હોલ ખાતે, તો 14 માર્ચના સવારે 9 .30 કલાકે મુક્તજીવન મહિલા કોલેજ ખાતે આયોજિત થનારા માસ્ટરક્લાસમાં
બિઝનેસમાં એ.આઈ.નો અમલ કરવાની તબક્કાવાર રીત, ઓછા સમયમાં અસરકારક અને વાયરલ કન્ટેન્ટ બનાવવાની વ્યૂહરચના, બદલાતા સમય સાથે વ્યાપારને સુસંગત રાખવાનાં આયોજન અંગે નિષ્ણાતો સફળ થવાના
મંત્ર સમાન માર્ગદર્શન આપશે. - આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતોની ઉપસ્થિતિ : માસ્ટરક્લાસમાં
આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો સોશિયલ મીડિયાના
બાદશાહ ગણાતા અભિષેક કર કન્ટેન્ટને કેશમાં
ફેરવવા અને ફાઉન્ડર તરીકે બ્રાન્ડવેલ્યૂ વધારવા,
વી. ટ્રાન્સ ઈન્ડિયાના અશોકભાઈ શાહ મોટા અને નાના ઉદ્યોગમાં એ.આઈ. કેવી
રીતે કાર્યક્ષમતા વધારશે તેનું માર્ગદર્શન આપશે. માનસી વાય. ઠક્કર સોશિયલ મીડિયાના
સફળતાપૂર્વક ઉપયોગ વિશે માહિતી આપશે, તો કેસીએફના પ્રમુખ મુકેશ
દેઢિયા, એમએસએમઈ અને એસએમઈમાં પ્રગતિના નવા દ્વારના લાભ વિશે
માહિતીનું આદાન-પ્રદાન કરવાના છે. - ઉદ્યોગ સાહસિકોને ઈજન : વિશેષ રીતે નાના ઉદ્યોગ સાહસિકો માટે મહત્ત્વના બની રહેનારા
આ માસ્ટરક્લાસમાં ઉપસ્થિત રહી પોતાના બિઝનેસને વિસ્તારવા માટે સફળતાનો મંત્ર મેળવવા
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ઉદ્યોગ સાહસિકોને ઈજન અપાયું છે. ક્યુઆર કોડ સ્કેન કરી
ઉદ્યોગ સાહસિકો આ સમિટમાં ભાગ લઈ શકશે.