• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

અંજાર મહાશિવરાત્રિએ શિવમય બન્યું, હર હર મહાદેવનો નાદ ગુંજ્યો

અંજાર, તા. 15  : સમગ્ર દેશ સહિત કચ્છના ઐતિહાસિક અંજાર શહેરમાં મહાશિવરાત્રિના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ અંજારનાં તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી અને `હર હર મહાદેવ' તથા `ઓમ નમ: શિવાય' ગુંજારવ સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મહાશિવરાત્રિ નિમિત્તે શહેરના વિવિધ મહાદેવ મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. શિવાલિંગને ફૂલો, બિલીપત્ર અને આકર્ષક શૃંગારથી સજાવવામાં આવ્યાં હતાં. દિવસ દરમિયાન મહાઆરતી, લઘુરુદ્રી અને હોમ-હવન જેવા ધાર્મિક વિધિ-વિધાન યોજાયા હતા. રાત્રિના સમયે ભજન અને સંતવાણીના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંજારના જાણીતા અને પ્રાચીન મંદિરોમાં વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. શહેરના મકલેશ્વર  મહાદેવ, કનકેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, ભોમેશ્વર મહાદેવ, કૈલાશેશ્વર મહાદેવ, ભૂતનાથ મહાદેવ, ભરેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ, પીપળેશ્વર મહાદેવ, પાતાલેશ્વર મહાદેવ મંદિરે ભાવિકોએ શિસ્તબદ્ધ રીતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પ્રસાદ માટે મંદિર પરિસરોમાં સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થા જાળવી ભાંગ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતુંમોડી રાત સુધી અંજારના રાજમાર્ગો અને શિવાલયો ગુંજતા રહ્યા હતા.  શહેરમાં દશનામ ગોસ્વામી સમાજ અને સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા મહાશિવરાત્રિ રથયાત્રા મહોત્સવ અંતર્ગત વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અજેપાળ દાદા મંદિર મધ્યેથી આ રથયાત્રાનો પ્રારંભ કરી શહેરનાં જડેશ્વર મહાદેવ મંદિર મધ્યે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. 

Panchang

dd