હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 14 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના
પડઘમ વાગી રહ્યા છે. જો કે, આ વખતે સરની
કામગીરી તેમજ અન્ય કારણોના લીધે નગરપાલિકા, જિલ્લા અને તા. પંચાયતની
ચૂંટણી તેના નિર્ધારિત સમયે યોજાવાની કોઈ શક્યતા હાલ જોવા મળતી નથી, ત્યારે વર્તમાન બોડીની મુદ્દત ફેબ્રુઆરીના અંત ભાગમાં પૂર્ણ થઈ રહી છે તેને
ધ્યાને લઈ માર્ચથી કચ્છની ચાર નગરપાલિકા, જિલ્લા પંચાયત અને નવ
તાલુકા પંચાયતમાં વહીવટદાર શાસન આવી જશે. સત્તાવાર રીતે મળેલી વિગતો અનુસાર સ્થાનિક
સ્વરાજ્યનો ચૂંટણી જંગ એપ્રિલ-મે માસમાં યોજાય તેવી શક્યતા હાલના તબક્કે જોવા મળી રહી
છે. દરમિયાન ચૂંટણીના પડઘમ વાગવાનાં એંધાણ મળતાં વહીવટી તંત્રની સાથે રાજકિય પક્ષોએ
પોતાની તૈયારીને વેગવાન બનાવી દીધી છે. - સુધરાઈના ઈવીએમની એફએલસીની કામગીરી પૂર્ણ : રાજ્ય ચૂંટણી પંચના આદેશ અન્વયે નગરપાલિકાની
ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવનારા ઈવીએમના 1368 કંટ્રોલ અને બેલેટ યુનિટની ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પૂર્ણ
કરી લેવામાં આવી છે, હવે પછીના
ચરણમાં જિલ્લા અને તા. પંચાયતની ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનારા ઈવીએમની પ્રથમ સ્તરની
ચકાસણી કરવામાં આવશે. - અહીં વહીવટદારને
શાસનની કમાન સોંપાશે : ભુજ, અંજાર, મુંદરા-બારોઈ અને માંડવી નરગાપલિકા ઉપરાંત નવ તાલુકા પંચાયત તેમજ
જિલ્લા પંચાયતમાં શાસનની કમાન વહીવટદારને સોંપવામાં આવશે આવું ઘણા વર્ષો પછી બની રહ્યું
છે. નખત્રાણામાં તો લાંબા સમયથી નગરપાલિકામાં વહીવટદાર રાજ છે. - આ પરિબળોનાં કારણે ચૂંટણી પાછી
ઠેલાઈ : મતદારયાદીની સઘન સુધારણા ઝુંબેશ અને બોર્ડ
તેમજ શાળાકિય પરીક્ષાના લીધે ચૂંટણી તેના નિર્ધારિત સમયથી પાછી ઠેલાઈ છે. એ વચ્ચે વસ્તી
ગણતરીની કામગીરી પણ તોળાઈ રહી છે.