મુંદરા, તા 15 : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ
અદાણીની મુંદરાની બે દિવસીય મુલાકાત ફળદાયી અને પ્રેરણાદાયી રહી છે. આ દરમિયાન તેમણે
સ્થાનિક સમાજ સાથે સંબંધ જોડયો શોક સંતાપમાં ભાગીદારી નિભાવી અને ગ્રુપના વિવિધ એકમોની
પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. શનિવારે અમદાવાદથી હેલિકોપ્ટર દ્વારા મુંદરા પહોંચીને
ગૌતમભાઈ અદાણીએ ઝરપરા ગામે સામાજિક અગ્રણીનાં અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો ત્યારબાદ
સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. સ્થાનિક લોકોએ શાલ, શ્રીફળ તથા પાઘડી પહેરાવીને તેમનું સન્માન કર્યું
હતું. બેઠકમાં મુંદરાના ભવિષ્યના વિકાસ, આગામી યોજનાઓ અને સ્થાનિક
અને સામાજિક ઉત્થાન અંગે ચર્ચા થઈ હતી. શ્રી અદાણીએ કહ્યું કે, `અદાણી ગ્રુપ વિકાસનાં કાર્યોને ઝડપથી આગળ વધારશે', પરંતુ આ સુવિધાઓની યોગ્ય જાળવણી અને સંભાળમાં
સ્થાનિક સમુદાય સમાન જવાબદારી છે. આગામી સમયમાં કંપની સામાજિક કલ્યાણના વિવિધ પ્રોજેક્ટ
લાવશે જે અંતર્ગત શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણલક્ષી
અને સામાજિક ઉત્થાનના વિવિધ પાસાઓને આવરી પ્રોજેક્ટ રજૂ કરશે, જેના પ્રતિભાવમાં સ્થાનિક અગ્રણીઓએ અદાણી ગ્રુપ સાથે ખભેખભો મિલાવીને મુંદરાના
વિકાસમાં સક્રિય સહભાગી બનવાની તૈયારી દર્શાવી હતી. રવિવારે મહાશિવરાત્રિના પવિત્રપર્વે
શ્રી અદાણીએ ભાગવત કથા સ્થળ દાણેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવની પૂજા-અર્ચના કરી
લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ તેમણે ગ્રુપના મુખ્ય એકમોની વિગતવાર
મુલાકાત લીધી અને કામગીરી નિહાળી ટેક્નોલોજી તથા ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી મેળવી
જેમાં અદાણી પેટ્રોકેમ પ્લાન્ટ, બિલ્ડકાસ્ટ ફેક્ટરી, અદાણી સોલાર પેનલ, મેન્યુફેક્ચારિંગ પ્લાન્ટ અને વોટર
ડિસેલિનેશન પ્લાન્ટની મુલાકાત મુખ્ય રહી હતી. ગૌતમભાઈએ દિવસે લેબર કેન્ટીનમાં સહજતાથી
મુલાકાત કરી કામદારો સાથે ચા પીધી, પછી તો હળવાં હાસ્યની સાથે
એમણે બધાને અમારા ગ્રુપના સૌ મહત્ત્વના સાથીઓ કહીને સંબોધતા હતા . ચાના કપ અને આ લોકોનાં
દિલ સાથેનો સંબંધ જ ગૌતમભાઈની સાચી સંપત્તિ હોવાનો ભાવ વ્યક્ત થયો હતો.