• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

બિદડામાં રહીને `રિચાર્જ ' થવા નાયબ મુખ્યમંત્રી તત્પર

બિદડા (તા. માંડવી), તા. 15 : કચ્છમાં વિશ્વકક્ષાની વૈવિધ્યપૂર્ણ આરોગ્ય સુવિધા ધરાવતા અહીંના સર્વોદય ટ્રસ્ટના સંકુલથી પ્રભાવિત થયેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ આગામી દિવસોમાં અહીં આવીને રહેવાનો પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. આ સંકુલમાં ખાસ તો વેલનેસ અને કુદરતી ઉપચાર માટેના આધુનિક માળખાંની વિગતો નાયબ મુખ્યમંત્રીએ મેળવી હતી. બિદડા સર્વોદય ટ્રસ્ટના સંકુલની મુલાકાતે આવેલા શ્રી સંઘવીએ ટ્રસ્ટના ચેરમેન વિજય છેડાની સેવાકીય પ્રવૃત્તિઓને વધાવી હતી. અમેરિકામાં ધીકતો વ્યવસાય છોડીને દાયકાઓથી બિદડાની આરોગ્ય સેવાને સમર્પિત થયેલા વિજયભાઇ છેડાનાં યોગદાનને તેમણે ખાસ બિરદાવ્યું હતું અને તેમણે પોતાને ઓઢાડાયેલી શાલ શ્રી છેડાને અર્પણ કરી હતી. ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે અને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય ઉપરાંત સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા અને ટ્રસ્ટી સંજયભાઇ એન્કરવાલા સાથે સર્વોદય ટ્રસ્ટના જયા રિહેબ. સેન્ટરની ખાસ મુલાકાત લઇને નાયબ મુખ્યમંત્રીએ આ સેન્ટરમાં સારવાર લેતા દિવ્યાંગો સાથે મુલાકાત કરી હતી. તેમણે આ કેન્દ્ર સાથે જોડાયેલા દિવ્યાંગ ખેલાડીઓને બિરદાવ્યા હતા. જયા રિહેબ. સેન્ટરની સુવિધાઓ અને બાજુમાં આવેલા તારામતી વેલનેસ સેન્ટરના અદ્યતન માળખાંથી પ્રભાવિત થયેલા શ્રી સંઘવીએ આગામી દિવસોમાં અહીં આવીને શારીરિક રીતે રિચાર્જ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે સેન્ટરના કર્મચારીઓ સાથે પણ ઊમળકા સાથે સંવાદ કર્યો હતો. - અમેરિકાની સમૃદ્ધિ  ત્યજનાર બિદડામાં સેવાનાં  ભેખધારીને સલામ : બિદડા સર્વોદય ટ્રસ્ટમાં દાયકાઓથી સેવા આપતા ટ્રસ્ટના હાલના ચેરમેન વિજયભાઇ છેડાની સાદગી અને સમર્પિતતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીને સ્પર્શી ગઇ હતી. તેમણે વિજયભાઇને ખરા અર્થમાં સેવાના ભેખધારી ગણાવ્યા હતા. 

Panchang

dd