નલિયા (તા. અબડાસા), તા. 9 : વડોદરા-આણંદ
વચ્ચેનો ગંભીરા પુલ તૂટતાં મોટો અકસ્માત સર્જાયો છે ત્યારે કચ્છમાં પણ સતર્કતા જરૂરી
છે કેમકે અબડાસાને જોડતો ભવાનીપર નાયરા નદી પર 50 વર્ષનો પુલ જર્જરિત હોવા છતાં નાના વાહનોની સતત અવરજવર ચાલુ
છે તે જોખમી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. 45 વર્ષ પહેલાં બનેલા વડોદરાના જર્જરીત પુલના બે ટુકડા થઈને તૂટી
જ પડતાં જ ઉપરથી પસાર થઈ રહેલા ટ્રક, પીકઅપ વાહન, રિક્ષા જ તેમાં ખાબક્યા હતા અને લોકોનાં
મોત પણ થયા છે. તેવો જ જર્જરિત થઈ ગયેલો પુલ અબડાસા તાલુકાના ભવાનીપર ગામ પાસે આવેલી
નદી પર ઉભો છે. પુલ 50 વર્ષ પહેલાં
બનાવવામાં આવ્યો અને 50 મીટર લંબાઈ
ધરાવતો પુલ જર્જરીત થઈ જતાં જ જિલ્લા કલેકટર બે વર્ષ પહેલાં એટલે કે મે 2023માં ભારે વાહનો પુલ પરથી પસાર
અને અવરજવર પર રોક લગાવી છે. ત્યારબાદ પુલની બંને સાઈડ બેરીકેટ લગાવવામાં આવ્યા તે
બેરીકેડ પણ તૂટી જતાં ફરી તેના પર ભારે વાહનો પસાર થવા લાગ્યા હતા. અખબારોમાં અહેવાલ
આવતાં જ ફરી પુલની બંને સાઈડ બેરીકેટો લગાવવામાં આવ્યા અને ભારે વાહનો માટે પુલ પરનો
માર્ગ બંધ કરવામાં આવ્યો. જોકે, પુલ પર
નાના વાહનો પસાર થઈ રહ્યા છે, પુલ જર્જરિત અવસ્થામાં ઉભો છે,
નીચે બારેમાસ પાણી ભરેલું હોય છે, પુલની છતમાં
ગાબડા અને પ્લાસ્ટર પણ ઉખડી ગયા છે ત્યારે આ પુલ વડોદરા પાસે આવેલા ગંભીરા બીજની જેમ
ગમે ત્યારે તૂટી શકે તેવી ભીતિ લોકોએ દર્શાવી હતી. જોકે, આ પુલ
બે વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા મંજૂર પણ થઈ ગયો છે. સ્થાનિક તંત્ર અકસ્માત થવાની
રાહ જોઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો કે, માર્ગ અને મકાન
વિભાગે તેને ભયજનક ગણાવી ભારે વાહનોની અવરજવર બંધ કરાવી છે. બીજીબાજુ માર્ગ-મકાન વિભાગ
પાસેથી મળેલી માહિતી પ્રમાણે નવા પુલ માટે રૂા. 20 કરોડની જંગી રકમ પણ મંજૂર થઇ
ગઇ છે. કલેકટર દ્વારા પુલ પરથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ પ્રતિબંધના
12 મહિના રહીને પુલ મંજુર થયો
છે. પુલની ડિઝાઇન ગાંધીનગર સર્કલ ઓફિસમાં મોકલવામાં આવી હતી, જેનો અંદાજિત ખર્ચ 20 કરોડ રૂપિયા અંદાજાયો છે. પુલ
પરથી ભારે વાહનોની અવર-જવર બંધ કરાયાને બે વર્ષ થવા આવ્યા છતાં પણ પુલની બાજુમાંથી
ડાયવર્ઝન કે, અન્ય વૈકલ્પિક માર્ગ તંત્ર
દ્વારા કાઢવામાં આવ્યો નથી. કેમકે પાણીનો મોટો જથ્થો નદીમાં ભરાયેલો જ રહે છે.