અંજાર, તા. 9 : અહીંના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા
ધ્વારા પાયાની સુવિધા ન અપાતી હોવાની અનેક ફરીયાદો ઉઠી છે. શહેરના મતિયા નગર વિસ્તારમાં
ઉભરાતી ગટર સમસ્યા સહિતની પાયાની સુવિધા મુદે
ત્રસ્ત બનેલા લોકોએ પાલિકામાં ઘેરાબંદી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. શહેરના મતિયાનગર
વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ગટર સમસ્યાએ માથુ ઉચકયુ છે. સ્થાનિકો ધ્વારા સમયાંતરે
પાલિકાના સંબંધિતો સામે વખતોવખત રજૂઆત કરવામાં
આવી હતી તેમ છતાં આ સમસ્યા ઉકેલાઈ ન હતી. ઉભરાતી ગટર સમસ્યાને લઈને વિદ્યાર્થીઓને
ગટરમાંથી પસાર થઈ જવાની ફરજ પડતી હોવાની ફરીયાદ સ્થાનિકોએ કરી હતી.લાંબા સમયથી વણઉકેલાયેલી
પાયાની સવલતો મુદે રોષે ભરાયેલા સ્થાનિકોએ
નગરપાલિકામાં ઉગ્ર દેખાવો કર્યા હતા.નારાજ થયેલા લોકોએ પાલિકાના મુખ્ય દરવાજાને રૂમાલ વડે બાંધીને બંધ કર્યો હતો. સ્થાનિકોએ પાલિકાના પ્રમુખ
સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યુ હતુ કે
અનેક વખત રજૂઆત કરવા છતાં ગટર સમસ્યા ઉકેલાતી નથી. તેમજ સફાઈ સહિતની પાયાની
સુવિધા મળતી નથી.એક તબકકે લોકોએ જયાં સુધી પ્રશ્ન
ન ઉકેલાય ત્યાં સુધી પાલિકામાં વિરોધ
કાર્યક્રમ આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.રજૂઆત વેળાએ શહેરમાં રખડતા પશુઓ,રસ્તાની ખસ્તા હાલત સહિતના મુદે પણ રોષ ઠાલવાયો
હતો. વોર્ડ નં.1 માં આવેલા
આ વિસ્તારની પ્રાથમિક સુવિધા અંગે બહુજન આર્મીએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. સુધરાઈ પ્રમુખ
વૈભવ કોડરાણીએ પાયાની સુવિધા મુદે યોગ્ય કરવાની હૈયાધારણ આપી હતી.