દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 29 : સમાજ વ્યવસ્થામાં કાયદો કેન્દ્રસ્થાને હોય છે. સામાન્ય માણસની આશા
અને વિશ્વાસ ત્યાંથી શરૂ થાય છે. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કર્તવ્ય અદા કરવામાં માદરે
વતનની શુભકામનાઓ ભાથું બની રહે છે. આ બંદરીય શહેરના ભવ્ય ભૂતકાળની હારોહાર અહીં `બાર'
પણ ભવ્ય અતીત ધરાવે છે. માતૃભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી કહેવાઈ છે એમ અહીંના સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ નિલયભાઇ વિપિનભાઇ અંજારિયાએ અત્રેના બાર એસોસીએશન આયોજિત
સન્માન સમારોહમાં કહ્યું હતું. - 26થી વધુ સંસ્થા દ્વારા સન્માન : ગોકુલ રંગભવન ખાતે યોજાયેલા સમારોહમાં કચ્છભરમાંથી જોડાયેલા બાર એસો.ના મોભીઓ ઉપરાંત શહેરની 26 કરતાં વધારે વિવિધ સંસ્થાઓએ જસ્ટિસ અંજારિયાનું બહુમાન કર્યું હતું. અત્રેના બાર એસો. પ્રમુખ ખેરાજભાઇ
રાગ પ્રમુખપદે રહ્યા હતા. - કાયદાનો `ક' માંડવીથી શીખ્યા : કળશધારી બલિકાઓ દ્વારા ભારતીય પરંપરા મુજબ
સ્વાગત કરાયું હતું. સમારંભમાં ન્યાયમૂર્તિ નિલયભાઇ અંજારિયાએ કહ્યું હતું કે, જીવનયાત્રામં દરેક તબક્કે હું માંડવીમાં ફરી
ફરી જન્મ લેતો રહ્યો છું તેનો ગર્વ છે. દાદા સુબોધચંદ્રભાઇ, પિતા
વિપિનભાઇને સ્મરણાંજલિ સાથે પ્રણામ કર્યા.
પાંચ પેઢીઓથી કાનૂની ન્યાયતંત્રનું વિહંગાવલોકન કરાવતાં તેમણે કહ્યું હતું કે,
ટ્રાયલ કોર્ટમાં પણ ચુકાદાઓ ટાંકવાની અહીંના બારની ખાસિયતે પાઠ ભણાવ્યા છે. કાયદાનો `ક' તેઓ માંડવીથી શીખ્યા છે. 23 વર્ષોની વ્યાવસાયિક પ્રેક્ટિસ પછી હાઇકોર્ટમાં જજ, ત્યાંથી કર્ણાટક વડી અદાલતમાં ચીફ જસ્ટિસ થઇને સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિ
પદ. તેઓની સિદ્ધિમાં પરિવાર, સહયાત્રીઓ સંગાથે માંડવીના પ્રગતિબેન
અને ધારાશાત્રી પુત્રના પ્રદાનને અવર્ણનીય ગણાવ્યું હતું. ઘરના આંગણે ઘર-પરિવારજનો દ્વારા સન્માન પામવા બદલ તેઓએ અહોભાવ
પ્રદર્શિત કર્યો હતો. - કચ્છ ખમીરવંતો
મુલક : મંચસ્થ ડિસ્ટ્રીક્ટ કોર્ટના પ્રિન્સિપાલ
જજ દિલીપભાઇ પી. મહિડાએ શ્રી અંજારિયાનું અભિવાદન
કરતાં જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ વ્યક્તિત્વના
સમારોહમાં ડાયસ શેર કરતાં ભાગ્યશાળી સમજું છું. અહીંના બાર એસો.નું આયોજન બિરદાવવા
જેવું છે. ઘરે માવડી, ચૂલે તાવડી અને ડેલીમાં ગાવડી એ કચ્છીયતની ઓળખ તાજી કરાવતાં શ્રી
મહિડાએ કચ્છને ખમીરવંતો મુલક મૂલવ્યો હતો. - માંડવીની ખુમારી જણજણમાં : પૂર્વ સાંસદ પુષ્પદાનભાઇ ગઢવીએ માંડવીની ખુમારી,
ખુદારી અને ખાનદાનીની મહેક જણજણના હૃદયે હોવાની લાગણી પ્રદર્શિત કરતાં
ન્યાયિકયાત્રામાં સહયોગીઓમાં `અંજારિયા પરિવાર' સાથેના સ્મરણો વાગોળ્યાં હતાં. ભુજના દર્શકભાઇ
કે. બૂચે નિલયભાઇ પરિવારમાં `લો' અને `લીગલ'
જીન્સ મહેસૂસ થતા હોવાનું જણાવતાં કચ્છી પ્રતિભાના શપથવિધિને માસ
પૂરો થાય એ પહેલાં વધવવા બદલ ઓવારણા લીધા હતા. આયોજનને આશીર્વાદરૂપ જણાવ્યું હતું.
આરંભમાં વરિષ્ઠ વકીલ અને બારના પૂર્વ પ્રમુખ
હરીશભાઇ ગણાત્રાએ નિલયભાઇની સફર વિશે કહ્યું
હતું કે, કાયદો, કાનૂન એ પરિવારની ગળથૂથીમાં
છે. નિલયભાઈ પ્રખર અભ્યાસુ, સાહિત્યમાં કલમી અને સામાજિક ક્ષેત્રે
નેત્રદીપક પ્રતિભા છે. શાબ્દિક સત્કાર બાર
મંત્રી પ્રિયેન નાકરે કર્યું હતું. - કચ્છી પાઘડીથી સન્માન : જસ્ટિસ નિલયભાઈને કચ્છી પાઘડી પરિધાન કરાવવામાં
બાર પ્રમુખો ખેરાજભાઈ રાગ સાથે અલ્તાફગની ચાવડા,
અરવિંદસિંહ જાડેજા, અનવર ઘાંચી, સુલેમાન રાયમા, બ્રિજેશ ગોસ્વામી, નારાણભાઈ ગઢવી, બાબુલાલ ખાંખલા, રમેશ મહેશ્વરી, ગુલામભાઈ અંસારી, હસન લુહાર વગેરે જોડાયા હતા. સન્માનપત્રનું વાંચન હસનભાઈ રાયમાએ કર્યું હતું
અને શ્રી રાયમા સાથે સ.પત્ર આપવામાં કમલેશભાઈ મહેતા સહયોગી રહ્યા હતા. શાલ અને મોમેન્ટો
વડે સત્કાર કીર્તિભાઈ માંડલિયા, લક્ષ્મીચંદ ફુફલ, ભરતભાઈ ચારણ, દીપકભાઈ સોની, વિશ્રામભાઈ
બારોટે કર્યો હતો. મંચસ્થ સિનિયર સિવિલ જજ (મુંદરા) સી. જે. તન્નાએ શાલ અર્પણ કરી.
પ્રગતિબેન નિલયભાઈ અંજારિયાનું અભિવાદન અહીંના પ્રિન્સિપાલ સિવિલ જજ સ્વાતીબેન રાજબીએ
કર્યું હતું. પ્રગતિબેનનું બહુમાન અત્રેની મહિલા ધારાશાત્રીઓ દ્વારા દર્શનાબેન શાહ,
નિધિબેન પટેલ, રેશ્માબેન શાહ, ભારતીબેન વીરા, વીણાબેન ચૌહાણના હસ્તે કરાયું હતું. એડિશનલ
ડિસ્ટ્રીક્ટ જજ (ભુજ) જે. એ. ઠક્કર, ગુ. બાર એસો.ના શિસ્ત સમિતિના
સભ્ય મગનભાઈ ગઢવી ઉપરાંત કચ્છમાંથી ભુજ, ગાંધીધામ, અંજાર, મુંદરા, નખત્રાણા,
રાપર, નલિયા, દયાપર સહિત
તમામ તાલુકાઓના પ્રમુખ-મંત્રીઓ દ્વારા કરાયું હતું. ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા બહુમાન
કરાયું હતું. ખી.રા. ટ્રસ્ટની શાળાએ મુંજી માતૃભૂમિ કે નમન અને પ્રાર્થના પ્રસ્તુત
કરી હતી. સંચાલન ચિરાગ વોરાએ અને આભારદર્શન પ્રવીણ ગજરાએ સંભાળ્યું હતું. વી. એસ. સોલંકી,
કીર્તિભાઈ કાગતડા, કિરણકુમાર વાડીલાલ, કાશ્મીરા રૂપારેલ વગેરે જોડાયા હતા. જિલ્લાભરમાંથી ન્યાયાધીશો, કાયદાવિદો્ સહભાગી થયા હતા. દરમ્યાન આ કાર્યક્રમમાં ભુજના એડવોકેટ કો. ઓપ્ટ.
મેમ્બર, શિસ્ત સમિતિ, બાર કાઉન્સિલ ગુજરાતના
માજી સદસ્ય અને રાષ્ટ્રીય મહામંત્રી, નેશનલ એડવોકેટ ફોરમ મગનભાઈ
રાજીયા ગઢવી દ્વારા શ્રી અંજારિયાનું વિશેષ સન્માન કરાયું હતું.