કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 29 : કચ્છ શક્તિ દ્વારા શુક્રવારે
સાંજે યોજાયેલા કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ વિતરણ સમારોહમાં જન્મભૂમિ પત્રોના સૌરાષ્ટ્ર
ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ સમારોહના આયોજક હેમરાજભાઈ શાહના ગુણોને
કાવ્યાત્મક શૈલીમાં વર્ણવતાં જણાવ્યું હતું કે, માણસ હવામાન નથી તોય બદલાઈ જાય છે, પણ અપવાદ છે હેમરાજ
શાહ. તેઓ વનમેન આર્મી છે. ટાઈમ મેનેજમેન્ટ અને શિસ્તના આગ્રહી છે તથા ગુજરાતી ભાષા
પ્રત્યે અપાર લાગણી ધરાવે છે. - હેમરાજભાઈ સુખ લંબાવે છે : દાદરના યોગી સભાગૃહમાં યોજાયેલા આ સમારોહમાં
હાર્દિકભાઈએ જણાવ્યું કે, `સૂર્ય,
ચંદ્ર, તારા થઈ શકાય, પણ
કોઈને આકાશ આપી શકાય એ હેમરાજભાઈ કરે છે. એવોર્ડ વિજેતાઓ પોતાનું સુખ પરિવારજનોમાં
વહેંચશે એટલે કે પોતાનું સુખ લંબાવે છે, હેમરાજભાઈ સુખ લંબાવે
છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતી ભાષા વિશેનાં કાર્યમાં `જન્મભૂમિ' પડખે ઊભું રહેશે. હેમરાજભાઈની આત્મકથા `કળશ છલકે'ના પ્રકરણ દર બુધવારે કચ્છમિત્રમાં પ્રગટ કરવામાં
આવશે તેવી જાહેરાત હાર્દિકભાઈએ કરી હતી. - કાર્યોથી પ્રેરિત થાઉં છું : `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના લોકપ્રિય કલાકાર દિલીપ જોશી (જેઠાલાલ)એ જણાવ્યું
કે, 84 વર્ષના હેમરાજભાઈનાં જીવન અને
કાર્યોમાંથી મને હંમેશાં પ્રેરણા મળે છે. ઉંમર વધતાં પ્રવૃત્તિઓ ઓછી કરવાને બદલે વધારતા
જાય છે અને આ બધું ઉત્સાહ અને લગનથી કરે છે. - હેમરાજભાઈને સન્માનિત કરો : જન્મભૂમિ ગ્રુપના સીઈઓ અને મેનેજિંગ એડિટર
કુન્દનભાઈ વ્યાસે જણાવ્યું કે, સમાજ
તરફથી એવોર્ડ મળે ત્યારે વિશેષ આનંદ થાય છે. કચ્છ શક્તિ એ ખરેખર તો હેમરાજભાઈની શક્તિ
છે. તેઓ એવોર્ડથી નવાજવાની પરંપરા ચાલુ રાખશે તેવી શુભેચ્છા આપું છું. 46મા એવોર્ડ વિતરણ સમારોહમાં આ વખતે 21 એવોર્ડ અપાયા હતા. અત્યાર સુધી
કુલ 1000થી વધુ સિદ્ધિપ્રાપ્ત કચ્છીઓને
કચ્છ શક્તિ એવોર્ડથી સન્માનિત કર્યા છે. - રંગ કસૂંબલ ડાયરો : સમારોહના આરંભમાં અનિરુદ્ધ આહીર અને સાથીઓએ રંગ કસૂંબલ કાર્યક્રમ
પ્રસ્તુત કર્યો હતો. સર્વે મહેમાનોનું શાલ અને પુસ્તકથી સન્માન કરાયું હતું. અરવિંદ
શાહ અને ઉદય શાહે આ કામગીરી બજાવી હતી. - આષાઢી બીજનું મહત્ત્વ : સ્વાગત પ્રવચન કરતા વાગડ વી.ઓ., ચોવીસી મહાજનના પ્રમુખ ડો. નાગજીભાઈ રીટાએ સૌને
નવાં વર્ષની શુભેચ્છા આપી હતી. કચ્છીઓ મૂળ ખેડૂત પ્રજા છે. ખેતી અને પશુપાલનના મૂળ
વ્યવસાયનાં કારણે કચ્છમાં મેઘરાજાનાં આગમનના દિવસ આષાઢી બીજનું નવાં વર્ષના દિવસ તરીકે
મહત્ત્વ છે, એમ તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને
આભારદર્શન રીટા હરિયાએ કર્યું હતું. - એવોર્ડ વિજેતાઓ : આ વખતના કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ વિજેતાઓ છે : ડો. કાંતિ ગોર
(સાહિત્ય), રામભાઈ ઠક્કર (પત્રકારરત્ન),
ડો. મધુકાંત આચાર્ય (શિક્ષણ), ડો. દીક્ષા સાવલા
(નારીરત્ન), કૃપા નાકર (નારીરત્ન), રંજન
સુરેશ ગોગરી (નારીરત્ન), મેહુલ કજરિયા (ટીવી સ્ટાર), છાયા ઉત્તંક વોરા (ફિલ્મ સ્ટાર), કિરણ ભાનુશાલી (નાટયરત્ન),
ઉન્નતિ ગાલા જોશી (નાટયરત્ન), અનિરુદ્ધ આહીર (પાર્શ્વ
ગાયક), હનીફ - અસ્લમ (સંગીતરત્ન), સુભાષ
છેડા (ડોક્યુમેન્ટેશન), જયસુખ પારેખ, અમિત
ખુવા (હાસ્ય કલાકાર), ડો. ચેતન વોરા (મેડિકલ), સંજય સોની (વ્યાપાર ઉદ્યોગ), સંદીપ બાબુલાલ ગડા (વ્યાપાર
ઉદ્યોગ), અશોક તેજશી ગડા (વ્યાપાર ઉદ્યોગ), નિશિત હરેશ ઠક્કર, (વ્યાપાર ઉદ્યોગ), જયેશ પોપટલાલ ગાલા (વ્યાપાર ઉદ્યોગ),
પસંદગી સમિતિના તરલાબેન છેડા, ડો. નાગજી રીટા,
ચીમન મોતા, એડ્વોકેટ પીયૂષ એમ. શાહ, મિલન સોની, બિપિન નાગડા, વેલજી
અખેરાજ બુરીચા ઉપસ્થિત રહ્યા હતા.