ભુજ, તા. 18 : નગરપાલિકાના વર્ષ 2024-25ના જાન્યુઆરી, માર્ચ સુધીના ત્રિમાસિક હિસાબો, વર્ષ 2024-25ના
વાર્ષિક હિસાબને બહાલી સાથે કર્મચારીઓને છઠ્ઠા પગારપંચનો લાભ આપવા સહિતના ઠરાવોને સર્વાનુમતે
બહાલી અપાઇ હતી. આજે ભુજના ટાઉનહોલ ખાતે મળેલી સુધરાઇની સામાન્ય સભામાં જાન્યુ. 25થી માર્ચ-25 સુધી જેમાં આવક 187547436 સામે ખર્ચ 226976778 મળી 839286543ના ત્રિમાસિક હિસાબોને બહાલી
અપાઇ હતી. આ ઉપરાંત વર્ષ 2024-25ના
વર્ષનું બજેટ રજૂ કરાયું જેમાં ખૂલતી સિલક 659573733.14, કુલ્લ આવક 631113927, કુલ્લ આવક 1290687660, કુલ્લ ખર્ચ 678377895.30 અને બંધ સિલક 612309764.84 રજૂ કરાયા હતા. જેને મંજૂરીની મહોર મરાઇ હતી. આ ઉપરાંત ભુજ શહેરના
વિવિધ વિકાસકામોના ઠરાવો રજૂ કરી બહાલી અપાઇ હતી,
જેમાં મુખ્યત્વે ભુજમાં ખુલ્લા બોરવેલ જોખમી હોઇ તેની સુરક્ષા વધારવા,
ડિવાઇડરની લાઇટો ખરીદવા 10 લાખના ખર્ચને મંજૂરી, કર્મચારી ભરત મેડને યેનકેન કારણોસર છૂટા કરાયા હતા. તેમને ફરજ પર પરત લેવા,
આઉટ ગ્રોથ વિસ્તારના વિવિધ કામો, જનભાગીદારીનાં
કામો, યુ.ડી.પી. ગ્રાન્ટ હેઠળનાં કામો, નગરપાલિકાની હદ બહાર ફાયર સેફટી સેવાનો ચાર્જ લેવો સહિતના લાઇટ, પાણી, રસ્તા, ગટરનાં કામોના ઠરાવો
રજૂ કરી સર્વાનુમતે બહાલી અપાઇ હતી. સભામાં
વિપક્ષી નેતા કાસમ સમાએ મુખ્ય અધિકારી પાસે અન્ય ચાર્જ હોવાથી તેઓ અઠવડિયામાં એકવાર
કચેરીમાં ઉપસ્થિત હોતાં લોકોની સમસ્યાનો ઉકેલ ન આવતો હોવાથી કાયમી મુખ્ય અધિકારીની
માંગ કરી હતી. સાથોસાથ પાણી પુરવઠા વિભાગ દ્વારા ગમે ત્યારે એરવાલ્વ બંધ કરી દેવાતો
હોવાનો આક્ષેપ કરી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા પણ માગણી કરી હતી. સભામાં ગણેશનગરની
20થી 25 મહિલાઓએ પદાધિકારીઓ સમક્ષ પાણીની લાઇન આપવા માંગ કરી હતી. આ
દરમ્યાન વિપક્ષી નગરસેવિકા આઇસુબેન સમા તેમજ રજૂઆતકર્તા મહિલાઓએ પ્રમુખ રશ્મિબેનને
ઘેરવા પ્રયાસ કર્યો હતો. જો કે, સભાસ્થળે
ઉપસ્થિત પોલીસે મામલો થાળે પાડયો હતો. સભા પ્રારંભે અમદાવાદના વિમાન અકસ્માતમાં મૃત્યુ
પામેલા તમામને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પાઇ હતી. પ્રમુખ રશ્મિબેન સોલંકીએ ઉપસ્થિતોને
આવકાર્યા હતા. ઠરાવોનું વાંચન ઉ.પ્ર. ઘનશ્યામ ઠક્કરે કર્યું હતું. કારોબારી ચેરમેન
મહિદીપસિંહ જાડેજા, મુખ્ય અધિકારી અનિલ જાધવ મંચસ્થ તેમજ સત્તાપક્ષ-વિપક્ષના
નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.