• સોમવાર, 12 મે, 2025

આદિપુર સુધી પહોંચેલાં ડ્રોનને સેનાએ તોડી પાડયું

ગાંધીધામ, તા. 10 : આજે સાંજે જાહેર થયેલા યુદ્ધવિરામ પૂર્વે ભારત - પાકિસ્તાન વચ્ચે તણાવભર્યાં વાતાવરણ દરમ્યાન જોડિયા શહેર આદિપુરની મધ્યમાં આજે સવારે આકાશમાંથી ધણધણાટી સાથે ડ્રોન આવતાં લોકો ચોંકી ઊઠયા હતા. આ ડ્રોન એસઆરસીના ખાલી પ્લોટમાં જૂના પોલીસ સ્ટેશન હાલ એસઓજી ઓફિસની પાછળ બાવળની ઝાડીમાં આવીને ધડાકા સાથે નીચે પટકાયું હતું, જેનો અવાજ એકાદ કિ.મી. સુધી સંભળાયો હતો. સેનાએ પાડોશી મુલકનાં ડ્રોનને તોડી પાડીને તેના ઇરાદાઓ ઉપર પાણી ફેરવી દીધું હતું.  ઓપરેશન સિંદૂર પછી ઘેરા બની રહેલા તણાવની અસર કચ્છમાં જોવા મળી રહી છે. આ વચ્ચે લોકોને ઘરમાં રહેવા અને અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે. આજે સવારે લોકો ઊઠીને રાબેતા મુજબ પોતાનું કામ કરી રહ્યા હતા. દરમ્યાન 8.20થી 25ના અરસામાં સળગતું અને ધણધણાટીના અવાજ સાથે આકાશમાં ડ્રોન નજરે પડતાં લોકો ચોંકી ઊઠયા હતા. પ્રત્યદર્શીઓમાં જણાવ્યા પ્રમાણે ડ્રોન પૂર્વ દિશાએથી લો કોલેજની ઉપરથી થઇ જૂની પોલીટેકનિક કોલેજના ઝાડ સાથે ટકરાયા બાદ એસઆરસીના પરિસરમાં બાવળની ઝાડીમાં ધડાકા સાથે તૂટી પડયું હતું. અહીં બેથી અઢી ફૂટનો ખાડો થઇ ગયો હતો. હાલમાં વેકેશનનો સમય હોવાથી વિદ્યાર્થીઓ હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું. આ ધડાકો એટલો જોરદાર હતો કે એકાદ કિ.મી.ના વિસ્તારમાં તેનો અવાજ સંભળાયો હતો. અહીં કંડલા બંદર અને વ્હાઇટ ઇન્સ્ટોલેશન આવેલા છે, ત્યારે આ ડ્રોન તેની રેકી કરવા આવ્યું હતું કે શું તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા. ભારત - પાકિસ્તાનની સીમાથી 200થી 250 કિ.મી. દૂર આવેલા છેક આ સંકુલમાં ડ્રોન આવીને પડતાં ચિંતાનો વિષય ઊભો થયો હતો. હાલમં ચાલતા તણાવભર્યાં વાતાવરણમાં આટલા લાંબાગાળા સુધી ડ્રોન પહોંચ્યું હોય તે પ્રથમ બનાવ છે. બાવળની ઝાડીમાં ડ્રોન આવીને પડતાં આસપાસની ઝાડીમાં થોડે અંશે આગ લાગી હતી. બનાવની જાણ થતાં પોલીસ ત્યાં દોડી આવી હતી. આ સ્થળની પોલીસવડા સાગર બાગમારે મુલાકાત લીધી હતી. બાદમાં આર્મીના જવાનો અહીં દોડી આવ્યા હતા અને ડ્રોનનો મલબો એકત્ર કરવામાં આવ્યો હતો. તુર્કી બનાવટના આ ડ્રોનને ભારતીય સેનાએ હવામાં જ તોડી પાડીને તેમના ઇરાદા પર પાણી ફેરવી નાખ્યું હતું. આ ડ્રોન સંબંધે પૂર્વ કચ્છના પોલીસ અધીક્ષક સાગર બાગમારને પૂછતાં તપાસ ચાલુમાં હોવાનું કહ્યું હતું. આ બનાવ બાદ લોકોએ રોજિંદા કાર્યો, દુકાનો ચાલુ રાખી હતી. તંત્રએ લોકોને  કામ વગર ઘરથી બહાર ન નીકળવા અને અફવાઓ ઉપર ધ્યાન ન આપવા અપીલ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd