ગાંધીધામ, તા. 25 : કચ્છના આર્થિક, ઔદ્યોગિક અને સામાજિક વિકાસને વેગ આપવા તથા
પરપ્રાંતીય શ્રમિકો અને વેપારીઓની સુવિધા માટે જાહેર કરાયેલી ભુજ-બરૌની અમૃત ભારત એક્સપ્રેસ
(ટ્રેન નં. 19427/19428) વહેલી તકે શરૂ કરવાની માંગ સાથે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બરે
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સાંસદ વિનોદભાઈ ચાવડા, રેલવે બોર્ડના ચેરમેન, પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર, અમદાવાદ ડીઆરએમ તથા ગાંધીધામના
એરિયા રેલવે મેનેજરને પણ જરૂરી કાર્યવાહી માટે રજૂઆત કરી છે. ભારતીય રેલવે દ્વારા ભુજથી
બિહારનાં બરૌની સુધી અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલનારી આ ટ્રેનનું ઉદ્ઘાટન ગત તા. 30 ઓક્ટોબર, 2026ના નિર્ધારિત
હતું, પરંતુ અનિવાર્ય કારણોસર તેનું સંચાલન મુલતવી
રહેતાં મુસાફરો હજુ સુધી આ સેવાથી વંચિત છે. આશરે 2,532 કિલોમીટરનું અંતર કાપતી આ ટ્રેન
ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ
અને બિહાર એમ ચાર રાજ્યના અમદાવાદ, કોટા, મથુરા, લખનઉ, ગોરખપુર અને મુઝફ્ફરપુર
જેવા મુખ્ય વ્યાપારી-ઔદ્યોગિક કેન્દ્રોને જોડશે. કંડલા અને મુંદરા બંદરો તથા વિશાળ
ઔદ્યોગિક એકમોને કારણે કચ્છમાં ઉત્તરપ્રદેશ અને બિહારના હજારો શ્રમિક અને કર્મચારીઓ
વસે છે. આ ટ્રેન શરૂ થવાથી તેમને વતન આવવા-જવા માટે કિફાયતી વિકલ્પ મળશે તેમજ કચ્છનાં
રણોત્સવ અને પ્રવાસન સ્થળોએ આવતા ઉત્તર ભારતના પ્રવાસીઓને પણ મોટી સુવિધા ઊભી થશે.
ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે કચ્છનાં બંદરો અને
ઉદ્યોગોના વિકાસને વધુ વેગ આપવા દેશના અન્ય રાજ્યો સાથે મજબૂત રેલ કનેક્ટિવિટી અનિવાર્ય
છે તેથી રેલવે તંત્ર આ રજૂઆતને પ્રાથમિકતા આપી ટ્રેનનું નિયમિત સંચાલન વહેલી તકે શરૂ
કરે તેવો અનુરોધ કર્યો હતો. માનદ મંત્રી મહેશ તીર્થાણીએ મધ્યમ અને શ્રમિક વર્ગ માટે
લાંબા અંતરની મુસાફરીનો આ સૌથી વ્યવહારુ વિકલ્પ હોવાથી કચ્છના સર્વાંગી વિકાસ અને સામાજિક-
વ્યાપારી આદાનપ્રદાન માટે રેલવે તંત્ર આ બાબતે સકારાત્મક અને ઝડપી નિર્ણય લે તેવી આશા
વ્યક્ત કરી હતી.