• શનિવાર, 05 જુલાઈ, 2025

જનની જણ તો ભગત જણ કાં દાતાર કાં સૂર

જીવરાજ ગઢવી દ્વારા : કોડાય (તા. માંડવી), તા. 10 : આજે માતૃ દિવસની ઉજવણી સાથે વાત કરવી છે એવી માતાઓની કે, જેમણે પોતાનાં સંતાનોને શૌર્યના પાઠ ભણાવવાની સાથે દેશસેવા માટે સમર્પિત કર્યા છે. માનવ સમુદાયમાં ભગત, દાતારો અને સુરોનો વિશેષ મહિમા રહેલો છે, જેમનાં યોગદાન દ્વારા જ ઉન્નત સમાજનું નિર્માણ થાય છે, જેની સઘળી જવાબદારી માતા ઉપર રહેલી છે એટલે જ કહ્યું છે. જનની જણ તો ભગત જણ કાં દાતાર કાં સુર.... આ પંક્તિને  સાર્થક કરતી માતાઓએ ભારતીય સેનામાં પોતાનાં સંતાનોનાં યોગદાનને સૌભાગ્ય ગણાવ્યું છે. ઝરપરાના વીર શહીદ માણસી રાજદે ગઢવી કે જેમણે દેશ સેવામાં કાશ્મીરના રાજૌરી ખાતે વર્ષ 2004માં શહાદત વહોરી હતી. તેમના માતા સુમલબેન ગઢવી જણાવે છે કે, તેમના દીકરા શહીદ માણસી ગઢવીએ માત્ર 16 વર્ષની ઉંમરે આર્મીમાં જોડાઇ દેશની સેવા માટે પોતાની જિંદગીનું બલિદાન આપ્યું. જે માતા તરીકે ખૂબ ગર્વની બાબત ગણાવી હતી. તલવાણાના શહીદ હરદીપસિંહ સહદેવસિંહ ઝાલાનાં માતા નયનાબા ઝાલા કહે છે કે, તેમના દિકરા વર્ષ 2018માં શહીદ થયા જેનું દુ:ખ તો છે, પણ ગર્વ વધારે છે. માતા ઇચ્છે તો તેનું સંતાન સફળ થાય, સજ્જન બને, સમાજ માટે કંઇક સારું કરે, દેશ માટે શહાદત વહોરનારા કાયમ અમર રહે છે. દેશ પ્રેમની ભાવનાઓ હંમેશાં જીવંત રહેશે. આજના યુવાનોએ  દેશ માટે જીવવું અને જરૂર પડે તો શહીદ થવાનું શીખવું જોઇએ. સીઆરપીએફમાં કોબ્રા કમાન્ડર તરીકે સેવારત રવિ પાલુભાઇ ગઢવી (કોડાય)નાં માતા નાગશ્રીબેન ગઢવીએ કહ્યું કે, દેશ માટે કંઇક કરી છૂટવું એ બધાનો અભિગમ હોવો જોઇએ. વિકટ પરિસ્થિતિઓમાં દેશની રક્ષા કાજે સરહદનું રખોપું કરતાં જવાનની માતા તરીકે તેમણે ગર્વ અનુભવ્યો હતો. સ્વ. ધર્મિષ્ઠાબા રતુભા જાડેજા (તલવાણા)નાં આર્મીમેન પુત્ર કરણસિંહ જાડેજા હાલની દેશની સુરક્ષા અને પરિસ્થિતિઓ વચ્ચે પોતાની રેજિમેન્ટમાં ફરજ ઉપર પરત ફર્યા છે. જેનું પરિવારને ગૌરવ હોવાનું કાકા રૂપસિંહ જાડેજા (એક્સ આર્મી)એ જણાવ્યું હતું. તલવાણાના મનહરબા શિવુભા જાડેજા (તલવાણા)એ પોતાનો એક પુત્ર જયેન્દ્રસિંહ શિવુભા આર્મીમાં જુનિયર કમિશન ઓફિસર તરીકે 19 વર્ષની સેવા આપી નિવૃત્ત થયા છે અને બીજા પુત્ર અનિરુદ્ધસિંહ શિવુભા પોલીસમાં એએસઆઇ તરીકે સેવારત છે. રક્ષાદળોમાં  જવાનો દિવસ રાત સીમાડા અને માર્ગો પર જાગી રહ્યા છે, જેથી જ સામાન્ય નાગરિકોનું જીવન શાંતિપૂર્ણ અને સુરક્ષિત બન્યું છે. પડકારો પરિપૂર્ણ રાષ્ટ્રપ્રેમ સામે વામણા સાબિત થઇ રહ્યા છે. આપણા સુરક્ષાદળો, પોલીસ, સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા રાખવા અને સાથે મળી યુવાધનમાં દેશ સેવાના જુસ્સા સાથે સશક્ત ભારત ઘડવા આહ્વાન કર્યું હતું. સંતાનોના ઘડતરમાં ભારતના ભાવિ ઘડતરમાં માતાની ભૂમિકા મુખ્ય છે, ત્યારે સામાજિક, વ્યાવહારિક સમજ આપવાની સાથે દેશસેવા અને સમર્પણનો ભાવ પણ યુવાધનમાં પ્રગટ કરવામાં આવે, તો મજબૂત ભારતનું નિર્માણ કરી શકાય. માતૃ દિવસ નિમિત્તે વંદન છે એ માતાઓને  જેમણે પોતાનાં સંતાનોને દેશસેવા કાજે સમર્પિત કર્યા છે. 

Panchang

dd