ગાંધીધામ, તા. 1 : ગાંધીધામ આદિપુર જોડિયાં શહેરો અને મહા નગરપાલિકા વિસ્તારમાં
ગટર-પાણીની વ્યવસ્થાઓ ઉપર નજર રાખવા અને મેન્ટેનન્સની કામગીરી સુદૃઢ બને તે માટે સરકારમાંથી
એક એન્જિનીયરને મૂકવામાં આવ્યા છે. આગામી સમયમાં વધુ બે એન્જિનીયરો આવવાના છે. મહા
નગરપાલિકા પાસે માનવ બળ નથી, એજન્સી
મારફતે કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ હંગામી ધોરણે એપ્રેન્ટિસની નિમણૂક કરવામાં આવી રહી છે,
પરંતુ કાયમી કર્મચારીઓની ભરતી બાબતે હજુ સુધી કોઈ પગલાં ભરાયાં નથી જેની
સીધી અસર અલગ અલગ કામગીરીઓ ઉપર પડી રહે છે. મહા નગરપાલિકા વિસ્તારમાં ગટર અને પાણીની
વ્યવસ્થાઓ ખોરવાયેલી છે. સ્ટાફઘટ સહિતનાં પરિબળો જવાબદાર છે, તો ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની દ્વારા જે અગાઉ ગટરની અને હાલના સમયમાં
જે પાણીની લાઈનો નાખવામાં આવી છે તે બાબતે અનેક સવાલો છે. મહા નગરપાલિકા તેનું નિરીક્ષણ
કરી શકી નથી. 107 કરોડથી વધુના
ખર્ચનો પ્રોજેક્ટ હજુ કાર્યરત થયો નથી, જેના કારણે પીવાનાં પાણીની સમસ્યાનું સમાધાન થતું નથી. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ
કાર્યરત કરવાનો છે તેવા સમયે આખી વ્યવસ્થાને હસ્તાંતરણ કરતા પહેલાં તેની ચકાસણી જરૂરી
છે. તેના માટે જ સરકારમાંથી રોડિક મેનપાવર સપ્લાય મારફતે એક એન્જિનીયર આવ્યા છે ને
આગામી સમયમાં વધુ બે એન્જિનીયરો આવવાના છે તેમણે ગટર અને પાણીની વ્યવસ્થાઓની જાળવણી
કરવાની છે.આ ઉપરાંત મેન્ટેનન્સની કામગીરી ઉપર નજર રાખવાની છે. મહા નગરપાલિકામાં હાજર
થયેલા એન્જિનીયરે નકશા ઉપરથી જે ગટર લાઈનની માયાજાળ બિછાવેલી છે તેને સમજવાનો પ્રયાસ
કર્યો હતો, તો બીજી તરફ પાણીની વ્યવસ્થાઓ માટે તેમણે ટપ્પર ડેમની
મુલાકાત લીધી હતી અને જરૂરી માહિતી પણ મેળવી હતી. ભૌગોલિક પરિસ્થિતિથી પરિચિત થવા માટે
મહા નગરપાલિકાના બે ઓવરસીયર મદદરૂપ થઈ રહ્યા છે અને આગામી સમયમાં જે વ્યવસ્થાઓ અને
મેન્ટેનન્સ સહિતની કામગીરી સુધરવાની સંભાવનાઓ ઊજળી થઈ છે.