કાઠડા (તા. માંડવી), તા. 9 : શહેરમાં લોકોની
સુવિધાઓ માટે વિવિધ યોજનાઓમાંથી તંત્ર દ્વારા ગ્રાન્ટની ફાળવણી થતી હોય છે, ત્યારે માંડવીના અબોલ પશુઓ કહી રહ્યા છે કે,
અમારી સુવિધા માટે ગ્રાન્ટની ફાળવણી થશે કે કેમ ? માંડવીમાં સેવાભાવી લોકો દ્વારા પશુઓને ઘાસચારા સહિતની સુવિધા મળી રહે તે માટે
અગાઉ લાયજા રોડ ખાતે પશુ દવાખાનાંની બાજુમાં ઘાસચારા માર્કેટ કાર્યરત હતી, જ્યાં નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટર બનાવી દેવાતાં ઘાસચારા માર્કેટ માંડવીના
મુખ્ય એરિયા આઝાદ ચોકમાં કાર્યરત હતી, જ્યાં પણ નજીકના એરિયામાં
દુકાનો અને હાથલારીધારકોની ભીડ વધી જતાં જ્યાં પણ ઘાસચારાનું વેચાણ બંધી કરી દેવાયું,
જેથી હવે માંડવીના લાયજા રોડ ઉપર પોલીસ સ્ટેશનની સામે અનેક પથ્થરો પડયા
છે. પ્રાઇવેટ ધંધાર્થીઓ ઘાસચારાનું વેચાણ કરે છે અને સેવાભાવી લોકો દ્વારા અહીં જ પથ્થરો
ઉપર ઘાસચારો નાખી દેવાય છે, જેથી અહીં ગાયોને ઘાસચારો ખાવામાં
પણ તકલીફ પડી રહી છે, તો અબોલ પશુઓ અહીં બેસી શકે તેવી કોઇ વ્યવસ્થા
જ નથી, તો અમુક લોકો
દ્વારા રુકમાવતી કાંઠે રસ્તા નજીક ચારો અપાય છે, જ્યાં પણ કોઇ
વ્યવસ્થા નથી, ત્યારે
આ અબોલ જીવોનો પોકાર કહી રહ્યો છે કે, અમારી સુવિધા માટે
ગ્રાન્ટની ફાળવણી થશે કે અમે બધી જગ્યાએથી તગડાતા જ રહેશું. બીજી તરફ માંડવી સીમની
આવેલ ગૌચર જમીન અન્ય હેતુ માટે ફેરવી દેવાઇ છે અને તે સામે માંડવીથી 25થી 30 કિ.મી. દૂર બાંભડાઇ મધ્યે ગૌચર અપાઇ છે, ત્યારે રોજ 25થી 30 કિ.મી. ચાલીને ગાયો ચરવા કેમ પહોંચી શકે. જાગૃતો કહી રહ્યા છે
કે, માંડવીની ગાયો માટે કોઇ સુવિધા અપાશે કે તેને
તગડતા જ રહેશું.