• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

સાહિત્યયાત્રાના વિહારને સહજ શબ્દોમાં વર્ણવાઇ

ભુજ, તા. 24 : સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટમાં સાહિત્યકાર અને આત્મકથાકાર ડો. દર્શના ધોળકિયાનાં વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ત્રીજા વર્ષમાં ગુજરાતી વિષયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મહિલા આત્મકથા સાહિત્ય અંગે માહિતગાર કરવાનો હતો. સાહિત્યક્ષેત્રે અન્ય સ્વરૂપોની સરખામણીએ આત્મકથા સ્વરૂપે ઓછું પ્રદાન થયું છે. તેમાં પણ સ્ત્રીઓ દ્વારા લખાયેલી આત્મકથાઓની સંખ્યા આંગળીનાં વેઢે ગણાય એટલી જ છે. કચ્છ પ્રદેશમાંથી કોઈ મહિલા સર્જકે આત્મકથા લખી હોય, તેવા દાખલા અત્યંત ઓછા જોવા મળે છે. આવી સ્થિતિમાં વર્ષ 2021માં પ્રકાશિત ડો. દર્શના ધોળકિયાની સંસ્મરણકથા `ઓટલા દાવ' વિશેષ નોંધપાત્ર કૃતિ તરીકે ઊભરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર આ કૃતિને કોલેજનાં ત્રીજા વર્ષના ગુજરાતી મુખ્ય વિષયના અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે.  ડો. દર્શના ધોળકિયાએ ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા શારદાબેન મહેતાની `જીવન સંભારણા'થી શરૂ કરીને પોતાની આત્મકથા `ઓટલા દાવ' સુધીની સાહિત્યયાત્રાનો વિહાર કરાવ્યો. પોતાના જીવનપ્રસંગો, તે સમયનો દેશકાળ, સ્ત્રીઓએ ભોગવેલી પરિસ્થિતિઓ અને પડકારો, ગુરુજનનું સાંનિધ્ય તેમજ જીવનમૂલ્યો વિશે તેમણે સહજ અને પ્રેરક શબ્દોમાં વાત કરી હતી. વ્યાખ્યાન બાદ વિદ્યાર્થિનીઓ સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી, જેમાં ડો. ધોળકિયાએ ઉકેલ આપ્યા હતા. કોલેજનાં આચાર્યા મનીષાબેન વાગડિયાએ સ્વાગત કર્યું હતું. સંસ્થાના મોભી અનિતાબેન ચૌહાણ પણ હાજર રહ્યાં હતાં. સંયોજન અને સંચાલન પ્રા. જીલ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું.  

Panchang

dd