• મંગળવાર, 01 જુલાઈ, 2025

નખત્રાણા તા.ના નિવૃત્ત કર્મચારીઓની ગ્રેજ્યુઈટી રકમ અટકતાં નારાજગી

નખત્રાણા, તા. 7 : સંકલિત બાલવિકાસ યોજના અંતર્ગત તંત્ર દ્વારા તાલુકામાં કાર્યરત આંગણવાડી કેન્દ્રોમાં વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલી 60 જેટલી સંચાલિકા તથા હેલ્પરને સરકારી નિયમ પ્રમાણે મળવાપાત્ર ગ્રેજ્યુઈટી 10 વર્ષ બાદ પણ નહીં ચૂકવાતાં કર્મચારીઓમાં નારાજગી પ્રર્વતી હતી. આ અંગે આંગણવાડી સંચાલિકા તથા હેલ્પર સૂત્રોના જણાવ્યા મુજબ લાંબા સમયથી અટકેલાં ગ્રેજ્યુઈટીનાં ચૂકવણા બાબતે જિલ્લા તથા તાલુકા વિકાસ અધિકારીઓ, આઈસીડીએસ સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યા ઉકેલાઈ નથી. નખત્રાણા આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર સીડીપીઓ શાંતાબેન ચુડાસમાએ જે-તે સમયે વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલી 140 જેટલી મહિલા કર્મચારી પૈકી 77 જેટલી મહિલાને ગ્રેજ્યુઈટી ચૂકવાઈ હોવાનું તથા 60થી વધુ ચૂકવણા બાકી હોવાનું જણાવ્યું હતું. બાકી કર્મચારીઓના પ્રમાણપત્રો તપાસણીના કારણે વહીવટી પ્રક્રિયામાં અટવાયેલાં હોતાં ચકાસણી થયે ક્રમશ: ચૂકવણું કરવા રૂા. 70 લાખ જેટલી રકમની આવશ્યકતા માટે સંકલિત બાળ વિકાસ યોજના વિભાગને પત્રથી જણાવાયું છે, જે પૈકી રૂા. 20 લાખની ફાળવણીનો પરિપત્ર કચેરીને મળતાં ચૂકવી આપવામાં આવશે. બાકી રહેતા રૂા. 50 લાખ મેળવવાની કામગીરીના પ્રયત્નો ગતિમાં છે, તેવું તાલુકા સીડીપીઓએ જણાવ્યું હતું. 

Panchang

dd