ગાંધીધામ, તા. 7 : તાલુકાના કેટલા ગ્રામ્ય વિસ્તારોનો મહાનગરપાલિકામાં
સમાવેશ કરાયો હતો, જેને પગલે વિરોધનો સૂર ઉઠ્યો છે. શિણાયના લોકોએ વિવિધ પ્રશ્નો સાથે
આવેદનપત્ર પાઠવ્યું હતું. જ્યારે અંતરજાળના લોકો એકત્ર થઇ આ નિર્ણય સામે અસંતોષ દર્શાવ્યો
હતો અને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોર્ટ કાર્યવાહીની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
અહીંની નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવાયા બાદ તાલુકાના કિડાણા, શિણાય, અંતરજાળ,
ગળપાદર સહિતના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કરાયો હતો. ત્યારે સ્થાનિક લોકોના અભિપ્રાય
લીધા વિના તેમજ ગ્રામસભાનું આયોજન કર્યા વિના જ એકતરફી નિર્ણય લેવાયો હોવાનો ગણગણાટ
શરૂ થયો હતો. આ દરમ્યાન મહાનગરપાલિકા દ્વારા ગ્રામ પંચાયતના રેકર્ડ એકત્ર કરવાની કવાયત
હાથ ધરવામાં આવી છે, પરંતુ આ પ્રક્રિયા વચ્ચે ગ્રામજનોમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે.
અંતરજાળમાં સોમવારના રાત્રિના અરસામાં સેંકડોની સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને મહાનગરપાલિકામાં
સમાવેશ અંગે વિરોધ દર્શાવ્યો હતો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવવાથી વેરા વધવાની
અને અન્ય સમસ્યાઓ ઊભી થવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી. આ મુદ્દે વહેલીતકે નિર્ણય નહિ લેવાય
તો કોર્ટ કાર્યવાહીની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી, તો વળી મહાનગરપાલિકામાં સમાવેશ
અંગે શિણાય વિકાસ સમિતિએ પણ વાંધો દર્શાવ્યો છે. અગાઉ ગ્રામસભામાં વિરોધ થયો હતો તેમજ
કેટલાક સૂચનોનું પાલન થયા બાદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવા માંગ કરાઈ હતી. ત્યારે આ
પ્રક્રિયામાં આ વિસ્તારમાં બેરોજગારી વધશે અને પર્યાવરણને નુકસાન થશે. જેથી વિકાસ સમિતિ
દ્વારા કરાયેલા સુચનનો 7 દિવસમાં જવાબ આપવા માંગ કરાઈ છે. તેમ છતાં આ બાબતે કાર્યવાહી
નહિ થાય તો કોર્ટ કાર્યવાહીની ચીમકી પત્રમાં ઉચ્ચારવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય ગ્રામ્ય
વિસ્તારોમાં પણ વેરામાં અને લાઈટ બિલ સહિતનામાં વધારો થવા અંગે વિરોધનો સૂર ઊઠી રહ્યો
છે. જેથી આ મુદ્દે મહાપાલિકા દ્વારા લોકોને મુંઝવતા પ્રશ્નોનું સમાધાન લાવવું જરૂરી
બની ગયું છે.