મુસા સુમરા દ્વારા : સુમરાપોર (પચ્છમ), તા. 7 :
ભુજ તાલુકા સરહદી પચ્છમ પાશી વિસ્તાર અનેકવિધ સમસ્યાઓની પીડાથી કાયમીપણે ઘેરાયેલો રહ્યો
છે. તેમાંય વળી આ પંથકમાં પાણીનો પ્રાણપ્રશ્ન માલધારીઓના મુલકને કાયમી સતાવી રહ્યો
છે. ઘણા વર્ષો બાદ આ પીડાની કોઇ મલમપટ્ટી ન થતાં પાણીની સમસ્યાથી કોઇ ગામ જ બાકાત નથી.
દર વર્ષે પીવાનાં પાણીની અનેક યાતનાઓનો સામનો કરવો પડે છે. સરકારની કરોડો રૂપિયાની
પાણી પાછળની ગ્રાન્ટોની કોઇ નક્કર કામગીરીની અસર આ પંથકમાં વર્તાતી નથી. પચ્છમ માટે
નાની સિંચાઇના બે-ચાર નાના ડેમો એની આજુબાજુનાં ગામડાંઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે.
આવા ડેમો થકી કયાંક નાની-મોટી સિંચાઇ પણ થઇ રહી છે, જ્યારે આ ડેમો સૂકાઇ જાય ત્યારે
ડેમનાં તળિયાં તેમજ હેઠવાસમાં નાના-મોટા વીરડાઓમાં ખોદકામ કરી લોકો પાણીની તરસ બુઝાવે
છે. પચ્છમ-પાશીમાં આવા મધ્ય નાની સિંચાઇના વધુ ડેમોની ખૂબ જ જરૂરિયાત છે. 600થી 800 ફૂટના કૂવાઓ, બોર ખોદવા પડે છે. આજુબાજુ
રણ વિસ્તારનાં કારણે પાણીનાં તળ નીચે હોવાની સાથે ખારાશની માત્રા પણ વધુ પ્રમાણમાં
છે, જો વધુ ડેમો બને તો પાણીનાં તળ ઊંચાં આવે અને પાણીની ખારાશમાં પણ ફેરફાર આવે એવું જાણકારો કહે છે. દર વર્ષે સચરાચર
વરસાદ પડતાં માલધારીઓ કાળા ડુંગર તેમજ ગ્રામ્ય વિસ્તારની પટ્ટીમાં ઘાસ પુષ્કળ થતા પડયા
હોય, પણ માત્ર પાણીની તંગીના કારણે જ હિજરત કરવી પડે છે. પચ્છમનાં ગામડાંઓમાં બોર્ડર
એરિયાની ગ્રાંટોની રકમથી નાના-મોટા ચેકડેમોનું નિર્માણ કરવામાં આવે તો ભયો ભયો... કાળા-ગોરા
ડુંગરથી આઠથી દશ મહામોટી વિશાળ-મહાકાય નદીઓ 15થી 20 કિલોમીટરનો પંથ કાપીને બેથી ત્રણ
દિવસ વહે છે. ત્યારબાદ ધીરે-ધીરે ઝરણારૂપી પાણી પણ કેટલાય દિવસ સુધી વહે છે. પાણી વહીને
હજારો માઇલો ખારા રણપટમાં જઇ બિનઉપયોગી બને છે. સફેદ રણની ચાદરમાં મીઠું (નમક)માં ફેરવાઇ
જાય છે. જેથી પાણી રોકવાના સ્રોત-વિકલ્પ અનેક મોજૂદ હોવા છતાં દર વર્ષે પચ્છમવાસી પાણીનાં
એક-એક ટીપાં માટે તરસીને હાડમારી ભોગવે છે. આ વિશાળ નદી-નાળાં પર મોટા-મોટા જળાશયરૂપી
બંધારા બાંધીને રણમાં વહી જતું પાણી અટકાવાય તો પાણી સંગ્રહ થાય અને કાયમી પાણી માટે
વલખાં મારીને તડપતી સૂકીભઠ્ઠ પચ્છમ-પાશીની ધરામાં પાણી સંગ્રહ શક્તિમાં વધારો થશે.
પાણીની કાયમી સમસ્યા હલ થશે તેમજ હિજરતરૂપી વણજાર પર પૂર્ણવિરામ લાગશે એમા બે મત નથી.