• મંગળવાર, 01 જુલાઈ, 2025

કચ્છમાં ઠંડીની આણ યથાવત્ : નલિયા 6.2, ખાવડા 6

ભુજ, તા. 7 : કચ્છમાં છેલ્લા બે દિવસથી ગગડેલા પારા અને વધેલી પવનની ગતિનાં કારણે ઠંડીની લહેરખી ફરી વળી છે. જિલ્લામાં યથાવત્ રહેલી ઠંડીની આણ વચ્ચે નલિયાએ 6.2 ડિગ્રી તાપમાને ઠંડાં મથકોમાં અગ્ર સ્થાન જાળવી રાખ્યું હતું. ખાનગી રાહે તાપમાન નોંધાય છે એવા સરહદી ખાવડામાં પારો ગગડીને છ ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યાનુસાર બે દિવસ સુધી વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે. બે દિવસ બાદ પારો બેથી ત્રણ ડિગ્રી ઊંચકાતાં ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે. કંડલા (એ.) મથકે સતત બીજા દિવસે પારો 8.8 ડિગ્રીના એકલ આંકે સ્થિર રહેતાં અંજાર-ગાંધીધામ વિસ્તારમાં ઠારયુક્ત ઠંડીથી જનજીવન પર અસર વર્તાયેલી જોવા મળી હતી. જિલ્લા મથક ભુજમાં તાપમાન સહેજ ઊંચકાઇને 11 ડિગ્રીએ પહોંચ્યું હતું પણ સામાન્યથી ત્રણ ડિગ્રી નીચા મહત્તમ તાપમાને અને પ્રતિ કલાક આઠથી દસ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવને શહેરીજનોને ગરમ કપડાંમાં વીંટળાયેલા રહેવા મજબૂર કર્યા હતા. ખાસ કરીને સાંજના સમયે જિલ્લામાં પવનના સુસવાટા જોવા મળતાં ઠંડીની ધાર વધુ તીક્ષ્ણ બનેલી જોવા મળી હતી. 

Panchang

dd