ભુજ, તા. 6 :
ગુજરાતમાં ચાલતાં પર્યાવરણ જાળવણી અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ ભુજ તાલુકાની
નવનીત નગરની શાળાના શિક્ષિકા કૃપાબેન નાકરનું ગાંધીનગર કક્ષાએ સન્માન કરાયું હતું.
તો જિલ્લા કક્ષાએ કલેકટર દ્વારા પણ કાર્યને બિરદાવાયું હતું. ગુજરાતમાં માધવ ચેરિટેબલ
ટ્રસ્ટ દ્વારા `પ્લાસ્ટિક
મુક્ત શાળા અભિયાન' ચાલી રહ્યું છે. જેમાં રાજ્યના 130 જેટલા શિક્ષકે ત્રણ લાખ પ્લાસ્ટિકની
બોટલ, નકામું પ્લાસ્ટિક એકત્ર કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જે અંતર્ગત ગાંધીનગર
ખાતે સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં ભુજ તાલુકાની નવનીત નગર પ્રાથમિક શાળાના શિક્ષિકા
કૃપાબેન નાકરનું મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માન કરાયું હતું. આ સન્માન સમારંભમાં ગુજરાત
શિક્ષણબોર્ડના નિયામક એમ. કે. રાવલ, સમગ્ર શિક્ષાના સચિવ એમ. પી. મહેતા, પુલકિત જોશી,
પૂર્વ નિયામક મહેશભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યની નોંધ લઈ સ્થાનિકે જિલ્લા કલેકટરે
શિક્ષિકા અને બાળકોની ઉત્તમ કામગીરીની નોંધ લઈ પ્રોત્સાહિત કર્યા હતા. આ સન્માન બદલ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ તાલુકા પંચાયત વહીવટ શિક્ષણશાખા દ્વારાય અભિનંદન
અપાયા હતા.