• મંગળવાર, 01 જુલાઈ, 2025

ગુજરાતનું પ્રથમ નિ:શુલ્ક સંસ્કૃત અધ્યયન કેન્દ્ર ભુજમાં

ભુજ, તા. 6 : સંસ્કૃતભારતીનું મુખ્ય કાર્ય લોકોને સંસ્કૃત બોલતા કરી, સંભાષણથી શાસ્ત્ર સુધી લઇ જઇ, સંસ્કૃતભાષાના માધ્યમથી ભારતમાતાને પુન: પરમ વૈભવના શિખર પર વિરાજમાન કરાવવાનું છે. આના માટે સંસ્કૃતભારતીના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ નિ:શુલ્ક ઉપક્રમો ચલાવાતા હોય છે. આ કાર્યને વેગ આપવા એક નિશ્ચિત સ્થાનની આવશ્યકતા વર્તાતાં ભવિષ્યનું આયોજન કરી સંસ્કૃત સંસ્કૃતિનું શિક્ષણ આપવા આધુનિક સગવડોથી પરિપૂર્ણ એવાં સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું નિર્માણ કચ્છમાં થવા જઇ રહ્યું છે. આ કેન્દ્રના પ્રત્યેક વર્ગો સ્માર્ટ બોર્ડ અને મલ્ટિમીડિયાથી સુસજ્જ રહેશે. 100થી 150 લોકો બેસી શકે એવા મંચ સહિતનું સભાગૃહ, 400થી 500 લોકો બેસી અને સંસ્કૃતના સાંસ્કૃતિક કાર્યક્રમો માણી શકે એવા રંગમંચ સહિતનું ખુલ્લું સાંસ્કૃતિક સ્થાન, ભારતી મંદિર, યજ્ઞશાળા, ગૌશાળા, નિવાસકક્ષો, અન્નપૂર્ણા કક્ષ, ઉન્નયિની (લિફ્ટ), પાર્કિંગ સહિતની સુવિધાઓ આ અધ્યયન કેન્દ્રમાં રહેશે. ગુજરાતમાં આ પ્રથમ કેન્દ્ર ભુજમાં નિર્માણ પામશે. આ અધ્યયન કેન્દ્ર સંસ્કૃતપ્રેમી પ્રત્યેક સંસ્થાઓને જોડનારું સ્થાન બનશે. વિદેશમાં વસતા અને સંસ્કૃત શીખવા ઇચ્છતા લોકોને અધ્યયન કેન્દ્રમાં રહી સંસ્કૃત શીખવનાર માટેની વિશેષ વ્યવસ્થા આ અધ્યયન કેન્દ્રમાં ઉપલબ્ધ રહેશે. કોઇપણ સંસ્કૃતપ્રેમી આ કેન્દ્રનાં નિર્માણમાં પોતાનું આર્થિક યોગદાન આપી શકે એ માટે રૂા. 10નું પણ આર્થિક યોગદાન સ્વીકારી તેમને તેમનો પરિચય સંસ્કૃત ભાષામાં આપતાં શીખવાડાઇ રહ્યું છે. સંઘ શતાબ્દી વર્ષના પાંચેય પરિવર્તન પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સમરસતા, સ્વદેશી તથા નાગરિક કર્તવ્યને સાથે લઇ આ અધ્યયન કેન્દ્ર માટેનું કાર્ય આગડ વધી રહ્યું છે. આ પવિત્ર અને સંસ્કૃતના ભવિષ્યને દિશા આપનારા કાર્ય માટે કચ્છરાજના મહારાણી પ્રીતિદેવીજી દ્વારા રૂા. 51 લાખનાં વિશેષ દાનની જાહેરાત પણ કરવામાં આવી છે. આ સંસ્કૃતભાષા સૌની છે, એની પ્રતીતિ કરાવનાર સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું ભૂમિપૂજન 21 ફેબ્રુઆરી-માતૃભાષા દિવસે, સીતા જયંતીએ મહારાણી પ્રીતિદેવીજીના હસ્તે કરવામાં આવશે.

Panchang

dd