• મંગળવાર, 01 જુલાઈ, 2025

ભૂગર્ભ જળવ્યવસ્થાપનની તાલીમ માટે ત્રણ રાજ્યના નિષ્ણાતો કચ્છમાં

ભુજ, તા. 6 : પીવાનાં પાણીને લઇને ગ્રામ્ય સ્તરનું આયોજન ગોઠવાય અને તમામ ગામો જળસંગ્રહને લઇ સ્વનિર્ભર બને તે દિશામાં નક્કર ડગ માંડયા છે ત્યારે દેશના ત્રણ રાજ્યમાં પીવાનાં પાણીની સુરક્ષાને લઇ કામ કરતી સંસ્થાના બાર જેટલા તજજ્ઞો કચ્છ યુનિ.માં તાલીમ લેવા માટે આવ્યા છે. છ દિવસીય તાલીમમાં ભૂગર્ભ જળવ્યવસ્થાનનું વિજ્ઞાન, જળસંગ્રહ સ્થાનોની જાળવણી તેમજ ભૂગર્ભ જળવ્યવસ્થાપનને ગ્રામ્ય સમુદાય સાથે જોડવાની વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવનાર છે. કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી અને એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસના ઉપક્રમે સ્થાપિત સેન્ટર ફોર વોટર રિસોર્સ એન્ડ સસ્ટેનેબલ સ્ટડી અંર્તગત કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં જલસેવા ચેરિટેબલ ફાઉન્ડેશનના તજજ્ઞોની છ દિવસીય તાલીમનો પ્રારંભ કરાયો છે. જળસેવા ચેરિટેબલ ફાઉન્ડેશન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનાં પાણીની સુરક્ષાને લઈ કાર્ય કરી રહ્યું છે. પીવાના પાણીની સુરક્ષા કઈ રીતે ઊભી કરી શકાય તે અંગેની તાલીમ મેળવવા માટે આ ત્રણ રાજ્યોના બાર ડેલિગેટ કચ્છ યુનિવર્સિટી ખાતે તાલીમ લઈ રહ્યા છે. તાલીમ અંતર્ગત કચ્છમાં આ પ્રકારના જ્યાં કામો થયેલ છે તેની રૂબરૂ મુલાકાત પણ કરવામાં આવશે. તાલીમ કાર્યક્રમ સફળ થાય તે માટે કચ્છ યુનિવર્સિટીના જીઆ ઁસાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રો. સુભાષ ભંડારી અને ડો. ગૌરવ ચૌહાણ તથા એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસના ડો. યોગેન્દ્રાસિંહ જાડેજા અને તેમની ટીમ કાર્યરત છે. આ તાલીમના ફેસિલિટેશન તરીકે શૈલેશ વ્યાસ કાર્યરત છે. તેમણે કહ્યું કે, ખાસ તો કચ્છમાં બન્ની વિસ્તારમાં વીરડાઓમાં થતો જળસંગ્રહ એક આદર્શરૂપ છે ત્યારે આ તાલીમમાં તેને પણ આવરી લેવાશે.

Panchang

dd