• મંગળવાર, 01 જુલાઈ, 2025

કચ્છમાં પ્રા. શાળાના છાત્રો માટે અલ્પાહારની નવતર પહેલ

ગિરીશ જોશી દ્વારાભુજ, તા. 6 : કચ્છની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને શાળામાં જ બપોરે ભોજન મળી રહે છે, પરંતુ છાત્રો જો સવારે નિશાળમાં આવે અને પ્રાર્થના પછી સવારે નાસ્તો અથવા તો અલ્પાહાર મળી રહે તો? હા, રાજ્યના મુખ્યમંત્રીના નામ સાથે પૌષ્ટિક અલ્પાહાર આપવાનું ચાલુ થતાં 2.42 લાખ બાળકોને તેનો લાભ મળવાની શરૂઆત થઈ છે, તો છેવાડાના બે તાલુકામાં તો નાસ્તાની સાથે દૂધ આપવામાં આવે છે. મધ્યાહ્ન ભોજન યોજના તો વર્ષોથી ચાલે છે, તેમાં હવે તો ભુજ તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળકોને અક્ષયપાત્ર જેવી સંસ્થા તરફથી ગરમા-ગરમ ભોજન શાળામાં જ પિરસવામાં આવે છે. તેમાંય હવે તો પ્રથમ વખત પ્રાથમિક શાળાઓમાં સવારનો નાસ્તો આપવાનું ચાલુ થતાં કોઈ પણ બાળક કુપોષિત ન બને તેવો હેતુ દાખવવામાં આવ્યો છે. આ અંગે કચ્છના પુરવઠા અધિકારી અર્શ હાસ્મીનો સંપર્ક સાધતાં તેમણે સમર્થન આપતાં કહ્યું કે, આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના પ્રથમ વખત શરૂ કરવામાં આવી છે. પુરવઠા અધિકારી શ્રી હાસ્મીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, હજુ આ નાસ્તાની શરૂઆત કરવામાં આવી છે. ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકો દ્વારા જ નાસ્તો બનાવવામાં આવે છે. કઠોળ, શાકભાજી, તેલ, મસાલા કે અન્ય સામગ્રી પેટે રૂા. 5 વિદ્યાર્થી દિઠ ચૂકવવામાં આવે છે. ઉપરાંત સંચાલકોના માનદ્ વેતનમાં અલગથી વધારો કરવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. સંચાલક દ્વારા બાળકોને જે નાસ્તો પ્રત્યેક વાર દિઠ નક્કી કરવામાં આવ્યો છે. તેની વસ્તુઓની બજારમાંથી ખરીદી કરવાની હોય છે, પરંતુ જથ્થો સારી ગુણવત્તાવાળો અને પ્રમાણસર આપવાનો હોવાથી આ કામની જવાબદારી શાળાના મુખ્ય શિક્ષકની નક્કી કરવામાં આવી છે. અને જે-તે શાળામાં અલ્પાહારનો દરરોજ કેટલા વિદ્યાર્થીઓ લાભ લે છે એ દૈનિક ઓનલાઈન સંખ્યા દર્શાવવાની રહેશે. વિશેષમાં કચ્છના પ્રવેશદ્વાર ગણાતા રાપર અને છેવાડાના લખપત તાલુકામાં તો દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી હોવાનું પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું. આ બંને તાલુકામાં સવારે ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. બપોરે ભોજન અને શાળા છૂટવાના સમયે નાસ્તો આપવામાં આવે છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે આ બાબતે તેમણે જણાવ્યું હતું કે, કુલ 2.42 લાખ વિદ્યાર્થી છે, પરંતુ દરરોજ હાજરી પ્રમાણે છાત્રો લાભ લે છે. ભૂતકાળમકાં મધ્યાહ્ન ભોજન યોજનામાં ગરબડો થઈ ચૂકી છે, તો આવું જ કંઈક અલ્પાહારમાં થશે તો ? આ સવાલ સામે અધિકારીએ કહ્યું કે, માલસામાનની બજારમાંથી ખરીદી કરવાની હોય છે. વળી ચકાસણી ચુસ્ત ઉપરાંત ઓનલાઈન વ્યવસ્થા હોવાથી ક્યાંય કંઈ ખોટું ન થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. વધારાની કામગીરી મ.ભો.યો. સંચાલકો કરે છે તો હાલના માનદ્ વેતનની સાથે 50 ટકા વધારો કરી દેવામાં આવ્યો છે.

Panchang

dd