ભુજ, તા. 6 :
કચ્છમાં લઘુતમ પારો એકથી સાત ડિગ્રી ગગડવા
સાથે પવનની ઝડપ વધતાં પુન: એકવાર જિલ્લામાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. નલિયામાં વધુ
એક ડિગ્રીના ઘટાડા સાથે તાપમાન 6.4 ડિગ્રીએ પહોંચતાં કચ્છી કાશ્મીરે રાજ્યનાં ઠંડાં
મથકોમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું હતું. અંજાર-ગાંધીધામ સહિતને સમાવતા કંડલા એરપોર્ટમાં
લઘુતમ તાપમાન એકસામટું સાત ડિગ્રી ગગડી 8.9 ડિગ્રીના એકલ આંકે પહોંચ્યું હતું. તો જિલ્લા
મથક ભુજમાં પણ ત્રણ ડિગ્રીના નોંધપાત્ર ઘટાડા સાથે પારો 10.8 ડિગ્રીએ પહોંચ્યો હતો.
આખો દિવસ પવન ફૂંકાવાનું જારી રહેતાં છેલ્લા કેટલાક દિવસોથી દિવસે ગાયબ થઈ ગયેલી ઠંડી
પાછી ફરી હતી. મહત્તમ પારો પણ એકથી બે ડિગ્રી ગગડી 24થી 2પ ડિગ્રી આસપાસ પહોંચ્યો હતો.
હવામાન વિભાગે કચ્છ સહિત રાજ્યમાં શીતલહેરની કોઈ ચેતવણી જારી કરી નથી, પણ આગામી બે
દિવસ દરમ્યાન લઘુતમ પારો વધુ બેથી ત્રણ ડિગ્રી ગગડવા સાથે ઠંડીનું જોર યથાવત રહે તવી
આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી બપોરનો સમય હૂંફાળો બનતાં કેટલીકવાર તો પંખા ફરતા
થઈ ગયા હતા. જો કે, ફરી એકવાર પવનની પાંખે ઠાર વધતાં લોકો ગરમ કપડાંમાં વિંટળાયેલા
જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હવામાન નિષ્ણાતોએ જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધુ રહેવા
સાથે શીતલહેરના દિવસો વધુ રહેવાની સંભાવના દેખાડી છે.