પ્રકાશ જહા દ્વારા : ગાંધીનગર, તા. 19: રાજ્યની નખત્રાણા, વાઘોડિયા, ટંકારા, ઈડર, સોજીત્રાઅને બોરસદ નગરપાલિકાની મતદારયાદી સીમાંકન તેમજ અન્ય કામગીરીને લઈ પ્રાથમિક પ્રસિધ્ધિ પામી નથી. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે સ્થાનિક સવરાજ્યની ચૂંટણીઓ માટે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ અંગેની જાહેરાત કરાઈ હતી. રાજ્યમાં 79 નગરપાલિકા પૈકી 73 નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદારયાદી ની પ્રાથમિક પ્રસિધ્ધિ કરી દેવામાં આવી છે. હવે આ મતદારયાદી અંગે 8મી જાન્યુઆરી સુધી વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે અને તે પછી મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે. નખત્રણા, વાઘોડિયા, ટંકારા, ઈડર, સોજીત્રાઅને બોરસદના સીમાંકન અંગે તેમજ હદને લઈ કેટલીક વહીવટીય અને આનુષંગિક કામગીરી બાકી હોવાથી મતદારયાદીની પ્રસિધ્ધિ કરાઈ નહિ આવી હોવાનું પંચના સૂત્રોએ જણાવ્યુ છે. રાજ્ય ચૂંટણીપંચે અગાઉ 12મી ડિસેમ્બરના રોજ મતદારયાદી જાહેર કરવાની વાત કરી હતી પ્રંતુ વહીવટીય કામગીરીના ભારણને પગલે આ કામગીરીમાં એક સપ્તાહનો વિલંબ થયો છે. રાજ્ય ચૂંટણી પંચ ધ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કે યોજવાનું નક્કી કરાયું છે. જેમાં પ્રથમ તબક્કામાં નગરપાલિકા, મ.ન.પા. તેમજ બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે. પંચના વિશ્વસનિય સૂત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લા પંચાયત તેમજ તેની 14 તાલુકા પંચાયતોની મતદારયાદી સિમાંકન સહિતના અન્ય પ્રશ્નોને કારણે આજે પ્રાથમિક પ્રસિધ્ધિ થઈ શકી નથી. આમ હવે ખેડા જિલ્લા પંચાયત, 73 નગરપાલિકા, જુનાગઢ મહાનગરપાલિકા તેમજ ખેડા જિલ્લાની 2 તાલુકા પંચાયતોની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ કરાઈ છે. ઉપરાંત વિવિધ નગરપાલિકાની 16 બેઠકોની પેટા ચૂંટણી માટે મતદારયાદી ની પ્રાથમિક પ્રસિધ્ધિ કરાઈ છે. હવે જાન્યુઆરીમાં મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ બાદ ચૂંટણીઓ યોજવા માટેનો માર્ગ મોકળો થયો હોવાનું રાજકીય વર્તુળો માની રહ્યા છે. આ મતદારયાદી ઓક્ટોબર 2024 માં કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલ મતદારયાદીના ડ્રાફ્ટ રોલ ને આધાર બનાવી પ્રસિધ્ધ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હજુ દસ એક દિવસની અંદર મતદારયાદી જાહેર કરાશે તેમ મનાઈ રહ્યુ છે.