• શનિવાર, 27 જુલાઈ, 2024

કરોડો રૂપિયાના ખર્ચ છતાં કચ્છમાં પીવાનાં પાણીની બૂમ

ગિરિશ જોશી દ્વારા : ભુજ, તા. 2 : 2011 પછી ભલે જનગણના થઇ નથી, પરંતુ પાણી પુરવઠા બોર્ડની પેયજળ વિતરણ વ્યવસ્થા જોઇએ તો 25 લાખથી  વધુ વસ્તી માટે આયોજન કરવામાં આવે છે અને પીવાનાં પાણી માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવા છતાં ઉનાળાની શરૂઆત થતાં ગામ હોય કે શહેર વિતરણ વ્યવસ્થા ખોરવાતી હોય છે અને ગરમીના દિવસોમાં જાણે ટેન્કર યુગ હોય તેવાં દૃશ્યો જોવાં મળે છે ત્યારે પાણી પુરવઠા બોર્ડનાં અણઘડ આયોજન પાછળ એવું તે શું છે કે ટેન્કર પ્રથા નાબૂદ થતી નથી. કચ્છના પૂર્વ અને પશ્ચિમ છેવાડાના રાપર તાલુકાના ગામડાં હોય કે લખપતનાં ગામો, પીવાનાં પાણીની રાડ શરૂ થઇ ગઇ છે ને મહિલાઓને ભરઉનાળે માથે બેડાં લેવાનો વારો આવ્યો છે તો જિલ્લા મથક ભુજની પણ કંઇક આવી હાલત છે. અઢી લાખની વસ્તીને પાણી પુરવઠા બોર્ડ દૈનિક 4.50 કરોડ લિટર પાણી વિતરિત કરે છે તેવો દાવો કરે છે. જો દાવો સાચો હોય તો અઢી લાખની વસ્તીને પાણી પુરવઠો કેમ પૂરો થતો નથી તેવો સવાલ શહેરીજનો કરી રહ્યા છે. એટલું નહીં નગરપાલિકા કચેરીમાં દૈનિક 40 ટેન્કરોની વરધી આવે છે. ઉપરાંત ખાનગી ટેન્કર 100થી વધારે દોડે છે. ટૂંકમાં એકલાં ભુજમાં દરરોજ  150થી વધુ ટેન્કરના ફેરા ભરવા પડી રહ્યા છે. નગરપાલિકામાંથી તો 40 ટેન્કર ભરાતાં હોવાને અનુમોદન મળ્યું હતું પરંતુ ભુજમાં ખાનગી ટેન્કરવાળા 100 જેટલા છે. 25 વર્ષથી પાણી પહોંચાડતા અવતારસિંહનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે ગરમીના દિવસોમાં ટેન્કરની માંગ વધી જાય છે. અત્યારે અમને એક એક જણને 5થી 7 વરધી આવે છે. જો કે, આજથી 15-20 વર્ષ પહેલાં કરતાં સ્થિતિ સુધરી છે વાત સાચી છે. તો શહેરની વાત છે, તો લખપત જેવા દુર્ગમ તાલુકામાં પાઇપલાઇન વાટે પીવાનું પાણી પહોંચતું નથી અને ગ્રામ્ય મહિલાઓને ટેન્કર આવે તેની રાહ જોવી પડે છે. દયાપરથી ભેખડા સુધીની પાઇપલાઇન છે, પરંતુ પાણી વિતરણના ધાંધિયા હોય છે. ખુદ મુદ્દે તાલુકા પંચાયતના સભ્ય આરબ જત ફરિયાદ કરી ચૂકયા છે. અંતે ગામડાંઓમાં જીએમડીસી દ્વારા ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લખપતના ભેખડા હોય કે ચામરો, મીંઢિયારી  આવા અનેક ગામોમાં ઘરોમાં નળ છે પરંતુ નળમાં પાણી ભાગ્યે આવે છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા મોટા ઉપાડે નલ સે જલની યોજનાની વાતો થાય, આંકડા રૂપકડા દર્શાવવામાં આવે છે અને પાણી પુરવઠા બોર્ડ?દ્વારા કચ્છમાં 4 લાખ ઘરોમાંથી 3.82 લાખ ઘરોમાં નળ વાટે પાણી મળી રહ્યાનું જણાવવામાં આવે છે. જો પાણી આવતું હોય તો પરિવારોને ટેન્કર કેમ મગાવવા પડે છે? સવાલ પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઈજનેર પી. એમ. નાગરને પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, ક્યાં પાણી નથી આવતું, બધી જગ્યાએ આવે છે. કદાચ નર્મદાની લાઈનમાં રિપેરિંગ ચાલતું હશે. તેમને નલ સે જલની વાત પૂછવામાં આવતા કહ્યું બધી જગ્યાએ તો ગ્રામ પંચાયતનું સંચાલન છે ત્યાં તકલીફ હશે પણ ધ્યાનમાં નથી, બાકી નલ સે જલ વાસ્મો સંભાળે છે. પાણી પુરવઠા બોર્ડ પાસે કચ્છમાં દૈનિક પેયજળની વિતરણ વ્યવસ્થા હોવા છતાં પ્રત્યેક નળમાં પાણી આવે છે કે નહીં વાતમાં તેઓ સૂર પુરાવી શક્યા નહીં અને કચ્છની પાણીની કેટલી જરૂરિયાત છે મુદ્દે કહ્યું કે, જેટલી જરૂરિયાત છે એટલું પાણી આવે છે એમ કહીને સારું ચિત્ર રજૂ કર્યું હતું. લખપત જેવા દૂરના તાલુકા હોય કે સરહદી ખાવડા, બન્નીના વિસ્તાર, અબડાસા, બધા વિસ્તારોમાં પાણી સમયસર અને પૂરતાં પ્રમાણમાં પહોંચાડવા સરકારે એક્સપ્રેસ લાઈનો પાથરી છે. વર્ષ 2050ને ધ્યાને લઈન રૂા. 1350 કરોડની જોગવાઈ ગયા વરસે કરવામાં આવી હોવા છતાં પાણી વિતરણ વ્યવસ્થા તો ખોરંભાતી કે ખોટકાયેલી ચાલે છે, ત્યારે ભૂગર્ભમાં પાથરવામાં આવેલી એક્સપ્રેસ લાઈનનું પાણી જાય છે ક્યાં તે સવાલ પેદા થાય છે. જાણકારોએ કહ્યું હતું કે, ઉનાળા પહેલાં દર વર્ષે પા.પુ. બોર્ડ દ્વારા માસ્ટર પ્લાન ઘડવામાં આવતો હોય છે, જ્યાં અધૂરાશો હોય તે આગાઉથી પૂરી કરવાની હોય છે, છતાં કરવામાં બોર્ડ નિષ્ફળ જાય છે. અબડાસાના 80 ગામો નર્મદા યોજના આધારિત છે. મંગવાણાથી પાણી વાયા મોથાળા થઈને છેક ડુમરા, છછી સુધી જાય છે, પણ પાણી પૂરતું નહીં આવતાં યોજના અનિયમિત ચાલતી હોવાની ફરિયાદો આવે છે. જો એક્સપ્રેસ લાઈનોની ભૂમિ ખોદવામાં આવે તો મોટી ગેરરીતિ બહાર આવે તેમ છે. કેમ કે જૂની લાઈનો બદલવાનાં ટેન્ડર બહાર પડે છે પછી લાઈનો ભૂગર્ભમાં નાખી દઈને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાતું હોવાથી જો તપાસ થાય તો કચ્છમાં પા.પુ. બોર્ડમાં ફરી એક વખત ભ્રષ્ટાચારનો રેલો છેક વડોદરા સુધી પહોંચે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરતાં વાત અંગે મુખ્ય ઈજનેર શ્રી નાગરે મૌન સેવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang