• શનિવાર, 14 નવેમ્બર, 2026

પીકેનાં નિવેદનથી રાજકીય ઘમસાણ

પટણા, તા. 13 : બિહારમાં જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરના બ્રાહ્મણ સમાજને લઈને આપેલાં નિવેદનથી રાજકીય વિવાદ ઊભો થયો છે. પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે, બ્રાહ્મણોએ ભાજપનો ઝંડો ઉઠાવી લેતાં તેમની પાસેથી 20 ટકા મુસ્લિમ મતો છટકી ગયા છે. તેમના આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ આકરા પ્રહારો કર્યા છે.  બિહારના શિક્ષણમંત્રી મિથિલેશ તિવારીએ પ્રશાંત કિશોરને બ્રાહ્મણ સમાજને બક્ષી દેવાની સલાહ આપી છે, જ્યારે ભાજપના નેતા મૃત્યુંજય તિવારીએ તેમનાં નિવેદનને હતાશાનું પરિણામ ગણાવ્યું છે. રાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસભાએ પણ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. પ્રશાંત કિશોરે પાંચ નવેમ્બરે દરભંગામાં આયોજિત મૈથિલ બુદ્ધિજીવી વિચાર સંગોષ્ઠિને સંબોધિત કરી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ જનસુરાજના વડા સમક્ષ ચૂંટણીની ટિકિટ ફાળવણીમાં બ્રાહ્મણોને પ્રાથમિકતા આપવાની માંગ કરી હતી. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, અહીં છેલ્લા 15 વર્ષથી બ્રાહ્મણ ધારાસભ્ય છે અને સાંસદ પણ બ્રાહ્મણ છે, તો પછી સમાજ મુશ્કેલીમાં કેમ જીવી રહ્યો છે? પ્રશાંત કિશોરે બ્રાહ્મણ સમાજને સંબોધીને કહ્યું હતું કે, ચૂંટણી જીતવા માટે મતોની જરૂર પડે છે. તેમના દાવા પ્રમાણે, અગાઉ બ્રાહ્મણોને 20 ટકા મુસ્લિમ મતો મળતા હતા, પરંતુ ભાજપનો ઝંડો ઉઠાવ્યા બાદ મુસ્લિમ મતો તેમનાથી દૂર થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે, બ્રાહ્મણો અને મુસ્લિમો વચ્ચે ન તો અનામતને લઈને કોઈ લડાઈ છે અને ન તો જમીનને લઈને. બંને સમાજ વચ્ચે ક્યારેય રમખાણો પણ થયાં નથી, તેમ છતાં કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ભાજપના સમર્થક બનીને મુસ્લિમો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરે છે. પ્રશાંત કિશોરનાં નિવેદન બાદ ભાજપના નેતા મૃત્યુંજય તિવારીએ તેમના પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, બ્રાહ્મણ સમાજની બેઠકમાં મુસ્લિમ વોટબેંકની વાત કરવી પ્રશાંત કિશોરની હતાશા દર્શાવે છે. બીજી તરફ, બિહારના શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ કહ્યું હતું કે, પ્રશાંત કિશોરે બ્રાહ્મણ સમાજને બક્ષી દેવો જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે, દેશનો દરેક બ્રાહ્મણ વેદ, પુરાણ, ઉપનિષદ અને મંદિરની પરંપરા સાથે જોડાયેલો છે. આ પરંપરાઓની રક્ષા માત્ર મોદી સરકાર જ કરી શકે છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd