• શનિવાર, 14 નવેમ્બર, 2026

વડાપ્રધાનનું ગાંધીનગર આગમન : મંત્રીઓ સાથે ડીનર બેઠક

અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને આવતાંની સાથે જ કેટલાક મંત્રીઓ પર તલવાર લટકતી હોવાની ચર્ચા વચ્ચે એરપોર્ટ પર પૂર્વ ધારાસભ્યો સાથે એક બેઠક કરી હોવાનું જાણવા મળ્યું છે. વડાપ્રધાનના આગમનને પગલે રાજકીય અટકળો તેજ થઇ ગઇ છે.   વડાપ્રધાનના આગમન પહેલાં જ પક્ષમાં ભારે ચર્ચાઓ શરૂ થઇ ગઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. રાત્રિની બેઠકમાં પક્ષ અને સરકારનું સંકલન, આગામી ચૂંટણીલક્ષી કાર્યક્રમો, 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ સામે પડકારો, જૂના અને નવા નેતાઓ વચ્ચે સંકલન, તેમજ ચૂંટણીલક્ષી માહોલ ઊભા કરવા અંગેની ચર્ચા થશે તેમ સૂત્રો જણાવે છે. રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ, સરકારની કામગીરી સહિત યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા થઈ શકે છે. સાથે જ સરકારની કામગીરી સામે લોકોમાં રહેલી નારાજગી જેવા મુદ્દાઓ પણ મહત્ત્વના બની શકે છે. નોંધનીય છે કે આ તમામ ઘટનાક્રમને 2027ની ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવી રહ્યો છે. પરંતુ ભાજપની વાસ્તવિક ચૂંટણી વ્યૂહરચના શું હશે? આ તમામ સવાલોના જવાબ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ બાદ સામે આવી શકે છે. હાલ તો ગુજરાત ભાજપમાં ચૂંટણી પહેલાંની રાજકીય હલચલની ચર્ચા તેજ બની છે. તેમજ સરકારના મંત્રીઓ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે, મહામંત્રી પ્રશાંત કોરાટ, હિતેન્દ્રાસિંહ ચૌહાણ, અનિરુદ્ધ દવે અને અજય બ્રહ્મભટ્ટ હાજર રહેશે તેમ મનાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી ગુજરાતના તમામ 24 મંત્રીઓ, એક મુખ્યમંત્રી અને એક નાયબ મુખ્યમંત્રી મળીને 26 સત્તાધીશો સાથે વન ટુ વન ચર્ચા કરવાના છે. મળતી માહિતી અનુસાર ચેમ્બરમાં એક પછી એક મંત્રીઓને બોલાવશે અને ચર્ચા કરશે. મોદી પાસે તમામ મંત્રીઓની કામગીરી, ફરિયાદો, વિવાદો સહિતના રિપોર્ટ કાર્ડ પહોંચી ગયા છે. પોતે રિપોર્ટકાર્ડ લઈને બેસશે અને ખુલાસા પૂછશે. જેને પગલે મંત્રીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભાજપ પ્રત્યેની નારાજગી વધી છે અને આ વાત છૂપી નથી. સોશિયલ મીડિયામાં દર બે રીલ્સે એક રીલ રાજ્ય સરકાર વિરોધી હોય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત અત્યંત અગત્યની માનવામાં આવી રહી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd