શિકાગો, તા.13 : માઈક્રોસોફ્ટ ઠપ (આઉટેજ) થવાની અસર આશરે 74 દેશો સુધી પહોંચી હતી, જેના કારણે વિશ્વભરમાં સ્વાસ્થ્યથી
માંડીને વિમાન સહિતની સેવાઓ અટકી પડતાં અંદાજે
10 અબજ ડોલર એટલે કે 93,431 કરોડ રૂપિયાથી વધુના આર્થિક નુકસાનની આશંકા વ્યક્ત
કરવામાં આવી છે. સાંજ સુધીમાં માઈક્રોસોફ્ટની આ યાંત્રિક ખામીને 24 કલાક વીત્યા બાદ ધીરે ધીરે સેવા પાટે ચડી રહી
હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું.
બ્રિટનમાં નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) દ્વારા દર્દીઓને દવાઓનું પ્રિક્રિપ્શન મોકલવામાં
મુશ્કેલી સર્જાઈ છે,
જ્યારે ભારત, કનેડા, જર્મની
અને અમેરિકામાં હવાઈ તથા રેલ સેવાઓ ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ છે. એક તબક્કે કંપની પર
સાયબર હુમલો થયાની વાત ફેલાઈ હતી જોકે પ્રવક્તાએ તેને રદિયો આપ્યો હતો. કંપનીએ વિક્ષેપ
બદલ માફી માગી હતી અને જણાવ્યું હતું કે, એશિયા પેસેફિક વિસ્તારમાં
સેવાઓ લગભગ પૂર્વવત્ થઈ ગઈ છે. ભારતમાં પણ ટોચની સંખ્યાબંધ કંપનીઓની કામગીરી પર વિપરીત
અસર થઈ હતી. 12 નવેમ્બરના
મોડી રાત્રે શરૂ થયેલા આ સેવા-વિક્ષેપને કારણે, વિશ્વભરના લાખો લોકો આઉટલુક ઈમેલ, ટીમ્સ
માટિંગ ટૂલ્સ અને આધુનિક ઓફિસ કામગીરી માટે જરૂરી અન્ય મહત્વપૂર્ણ સેવાઓનો ઉપયોગ કરવામાં
અસમર્થ બન્યા હતા. અમેરિકા ઉપરાંત, તેની અસર ભારત, જાપાન અને અન્ય ઘણા દેશોના ખાનગી ક્ષેત્ર, બેંકો,
સરકારી વિભાગો અને અદાલતો સુધી પણ પહોંચી હતી. આજે સવારે સ્પાઈસ જેટે
દિલ્હીથી ઉડાન ભરનારી ત્રણ ફ્લાઈટ રદ કરી હતી જ્યારે દરભંગા અને મુંબઈ જનારી ઉડાનો
વિલંબમાં પડી હતી. દિલ્હી એરપોર્ટે યાત્રીઓ માટે માર્ગદર્શિકા જારી કરીને હવાઈમથક માટે
નીકળતા પહેલાં ઉડાનનું સ્ટેટસ ચકાસી લેવાની સલાહ આપી હતી. ઈન્ડિગો અને અકાસા એરે પણ
પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી હતી.