• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

ત્રણ શક્તિશાળી વાવાઝોડાં ભારતને ઘમરોળશે !

નવી દિલ્હી, તા. 11 : 2026ના છેલ્લા ત્રણ મહિના દરિયાકાંઠાના વિસ્તારો માટે અત્યંત સંવેદનશીલ બની રહેવાની શક્યતા છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાના વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે, ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ઉત્તર હિન્દ મહાસાગરમાં ત્રણ શક્તિશાળી ટ્રોપિકલ સાયક્લોન (વાવાઝોડું) ત્રાટકવાની સંભાવના છે, જેની તાકાત છેલ્લા 44 વર્ષના સરેરાશ કરતાં ઘણી વધારે હોઈ શકે છે. ઇસરોના રિપોર્ટ મુજબ, વર્ષ 2026ના પોસ્ટ-મોન્સૂન સિઝનમાં બનનારા આ ચક્રવાતોની કુલ તાકાત એટલે કે પાવર ડિસિપેશન ઇન્ડેક્સ આશરે 13.06# 106 નોટ્સ3 રહેવાનું અનુમાન છે. આ આંકડો છેલ્લા 44 વર્ષના સરેરાશ આંકડા કરતાં લગભગ 83 ટકા વધારે છે. આ દર્શાવે છે કે આ વર્ષે વર્ષાઋતુ પછીના સમયગાળામાં દરિયામાં વાવાઝોડાંની પ્રવૃત્તિ ખૂબ જ તીવ્ર રહેશે. આ વૈજ્ઞાનિક અનુમાન તૈયાર કરવા માટે દરિયા અને વાતાવરણના છેલ્લા 40 વર્ષના જૂના ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના હવામાનના આંકડાઓને આધારે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચેની સ્થિતિનું આકલન કરવામાં આવ્યું છે. જો કે, આ રિપોર્ટ દ્વારા ચોક્કસ તારીખ કે વાવાઝોડાંના લેન્ડફોલ (ક્યાં ટકરાશે) ચોક્કસ સ્થળ વિશે માહિતી મળતી નથી, પરંતુ સમગ્ર સિઝનની ગંભીરતાનો અંદાજ ચોક્કસ આવી જાય છે. ઉત્તર હિન્દ મહાસાગરની આસપાસ આવેલા ભારત સહિતના અનેક દેશોના તટીય વિસ્તારો દર વર્ષે વાવાઝોડાંની ઝપેટમાં આવે છે. આ આગોતરી ચેતવણીથી સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સમયસર રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓ કરી શકે છે. સાગર ખેડૂતોને દરિયામાં ન જવા માટે સમયસર સૂચનાઓ આપી શકાય છે અને સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની આગોતરી રણનીતિ બનાવી શકાય છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd