• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

વરસાદી આફતથી દિલ્હી બેહાલ; 25 ઉડાન રદ

નવી દિલ્હી, તા. 24 : ઉત્તર અને મધ્ય ભારતના દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિત વિવિધ ભાગોમાં સોમવારે આભેથી આફત જેમ વરસેલા વરસાદે જનજીવનની કસોટી કરી નાખી હતી. રાજધાની દિલ્હીમાં મુશળધાર વરસાદનાં પગલે 25 ઉડાન રદ કરી દેવાઇ હતી. છત્તીસગઢમાં ત્રણ બાળક અને એક મહિલા સહિત ચાર લોકોનાં વીજળી પડવા અને પૂર પ્રવાહમાં તણાવાની ઘટનાઓમાં કરુણ મોત થઇ ગયાં હતાં. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં ઘણા ભાગોમાં પૂર જેવી પરિસ્થિતિએ પારાવાર પરેશાની સર્જી હતી. અનરાધાર વરસાદથી સર્જાયેલાં પ્રતિકૂળ હવામાનનાં કારણે દિલ્હી એરપોર્ટ ઉપરથી 15 ઉડાન ડાયવર્ટ કરી દેવી પડી હતી, તો 380 ઉડાન મોડી પડી હતી, 12 ઉડાન રાજસ્થાનમાં જયપુર એરપોર્ટ તરફ ડાયવર્ટ કરાઇ હતી. ઉત્તરપ્રદેશના 19 જિલ્લામાં પૂરપ્રકોપની કપરી સ્થિતિ સર્જાઇ હતી. પ્રયાગરાજના દોરાગંજ ઘાટનું સ્મશાન આખેઆખું પાણીમાં ડૂબી જતાં રસ્તાઓ પર અંતિમસંસ્કાર કરવા પડયા હતા. મધ્યપ્રદેશના જબલપુર, ચંબલ અને નર્મદાપુરમમાં ભારે વરસાદ થયો હતો. એક યુવક બાઇક સહિત પૂરમાં તણાઇ ગયો હતો. પ્રદેશના 22 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરાયો હતો. દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી હતી. જગ્યાએ જગ્યાએ જળભરાવ અને લાંબા ટ્રાફિકજામે લોકોને બેહાલ કર્યા હતા. ખરાબ હવામાનની અસર દિલ્હી એરપોર્ટથી ફ્લાઇટને પણ પડી હતી. ભારે વરસાદના કારણે બે ઇન્ટરનેશનલ ફ્લાઇટ સહિત કુલ 14ને ડાયવર્ટ કરવામાં આવી હતી, જેમાંથી 12ને દિલ્હીથી જયપુર એરપોર્ટે ડાયવર્ટ કરવામાં આવી હતી. દિલ્હી એનસીઆરમાં સોમવાર સવારથી જ ભારે વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગે ઘણા વિસ્તારમાં વરસાદ માટેનું રેડ અને યલો એલર્ટ જાહેર કર્યું હતું. આ ઉપરાંત ધૂળ-આંધીના તોફાન, વીજળીની ગાજવીજ અને ભારે પવન ફૂંકાવા માટે પણ ચેતવણી આપી હતી. તેવામાં ફ્લાઇટને અસર પડી હતી અને કુલ 14 ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત એરલાઇન્સ કંપનીઓએ એડવાઇઝરી જાહેર કરી હતી. ભારે વરસાદનાં કારણે દિલ્હીના ઘણા વિસ્તારમાં જળભરાવ થયો હતો અને જામની સ્થિતિ બની હતી. સંગમ વિહાર, વાયુસેનાબાદ વગેરે વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.

Panchang

dd