• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા

અમદાવાદ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી): ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ ગુજરાત ભાજપના તમામ મહામંત્રીઓ તાબડતોબ દિલ્હી દોડી ગયા છે. આમ સરકાર અને સંગઠનના ટોચના નેતાઓના દિલ્હીમાં ધામાને લઈને અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે. શું કંઈ રાજકીય નવાજૂનીના થવા જઈ રહી છે તેવો ગણગણાટ પણ ઉઠ્યો છે. ગાંધીનગરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી જવા રવાના થયા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સવારથી જ દિલ્હી પહોંચી ગયા હતા. ગુજરાતના ભાજપના તમામ મહામંત્રીઓ પણ દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. એક તરફ રાજ્યમાં દેશભક્તિનો માહોલ છે તો બીજી તરફ વહીવટી અને સંગઠનાત્મક બાબતોને વેગ આપવા માટે ભાજપ નેતૃત્વ દિલ્હી પહોંચ્યું હોય તેવું લાગે છે. દિલ્હીમાં ગુજરાતના નેતાઓનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દિલ્હીમાં ગુજરાત ભાજપના ટોચના નેતાઓ અને સાંસદોની ડિનર માટિંગ યોજાશે. આ માટિંગમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ સામેલ થશે. બન્ને ગૃહના ભાજપના સાંસદો આ બેઠકમાં હાજર રહેશે. આ પ્રવાસને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં ગુજરાત ભાજપના નેતાઓની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે અને મોવડીમંડળ પાસેથી માર્ગદર્શન મેળવવામાં આવશે. સંગઠનના વિવિધ મુદ્દાઓ, આવનારા કાર્યક્રમો અને રાજકીય વ્યૂહરચના અંગે ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બેઠકમાં પીએમ મોદી ગુજરાત ભાજપના નેતાઓને સંગઠન મજબૂત બનાવવા, જનસંપર્ક વધારવા અને આવનારા રાજકીય કાર્યક્રમોને સફળ બનાવવા માટે માર્ગદર્શન આપશે તેવી માહિતી મળી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી સહિતના નેતાઓ સાંસાદો સાથે સંગઠનાત્મક મજબૂતી અને રણનીતિ સહિતના મુદ્દે સીધો સંવાદ કરશે.ગુજરાત ભાજપના સરકાર અને સંગઠન બન્નેના ટોચના નેતાઓ એકસાથે દિલ્હી પહોંચ્યા હોવાથી આ પ્રવાસને માત્ર ઔપચારિક મુલાકાત નહીં પરંતુ મહત્વપૂર્ણ રાજકીય સંકલન તરીકે જોવામાં આવી રહ્યો છે.

Panchang

dd