મુંદરા : સુપ્રીમ કોર્ટ સોમવારે રાહદારીઓની સલામતી માટે રસ્તાની
બાજુમાં ફૂટપાથની જગ્યા સુનિશ્ચિત કરવા અને દબાણ હટાવવાના કેન્દ્ર સરકારે કરેલા નિર્દેશને
પગલે મુંદરામાં પણ આ પ્રશ્ન ફરી સપાટી પર આવ્યો હતો. આ દૃશ્ય સરકારની ગૌરવપથ યોજના
તળે શહેરમાં ગૌરવપથ - 2 તરીકે વિકસાવીને લગભગ દસેક મહિના પહેલાં લોકાર્પણ કરાયેલા
મુંદરા- બારોઈ રોડનું છે, જેમાં રસ્તા
પહોળાઈ અને સીસી રોડ કરી, ફૂટપાથ, પેવરબ્લોક બધું કામ તો થયું, પણ આ કોના માટે થયું એ હવે લોકોમાં સવાલ ઊઠી રહ્યો છે ? કારણ કે, જ્યાં ચાલવાની જગ્યા છે ત્યાં ખાણીપીણી,
શાકભાજીની લારીઓ ગોઠવાઈ જાય છે. ઘણી જગ્યાએ પાર્કિંગ પણ રસ્તા પર કરવું
પડે છે ને રસ્તા સાંકડા થતાં ટ્રાફિકજામ અને અકસ્માતો થાય છે. બલ્કે રસ્તા પર ચાલતા
રાહદારીઓએ જીવ પણ ગુમાવ્યા છે. આમાં માત્ર
નગરપાલિકા, મામલતદાર કે પોલીસ તંત્રનો જ દોષ નથી. આ લારીઓ પાછળના
કેટલાક દુકાનદારો પણ જવાબદાર હોવાનો નાગરિકો આરોપ મૂકતાં કહે છે કે, દુકાન આગળ ઊભવાનું 5,000થી 10,000 રૂા.નું
ગેરકાયદે ભાડું લઈ `મોજ' કરે છે. સુપ્રીમે ટકોર બહુ સારી કરી છે,
પરંતુ તેમાં અમલ કોણ કરશે એ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે, શહેર કરતાં `પોતાના પેટ'ની વધુ પડી છે ! (તસવીર : પરેશ રાઠોડ)