કોલંબો, તા. 10 : શ્રીલંકા ઇલેવન વિરુદ્ધના અભ્યાસ
મેચમાં 18 ચોગ્ગા સાથે 142 રનની અણનમ ઇનિંગ રમનાર દેવદત્ત
પડીક્કલની ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે ભરપૂર પ્રશંસા કરી છે. પડીક્કલની
આ શાનદાર ઇનિંગથી ટેસ્ટ ટીમમાં વનડાઉન સંબંધી ભારતની ચિંતા ઓછી થઈ છે. આ સ્થાન પરનો
ખેલાડી સાઇ સુદર્શન ઇજાને લીધે શ્રેણીની બહાર થઈ ચૂક્યો છે. અભ્યાસ મેચના વિજય બાદ
બેટિંગ કોચ કોટકે કહ્યું કે, અભ્યાસ
મેચમાં દેવદત્તની બેટિંગ શાનદાર રહી. એક માત્ર અભ્યાસ મેચ હતી. ટીમને ઘણો ફાયદો મળશે.
નેટમાં અમે ચાર દિવસ અભ્યાસ કર્યો, પણ મેચ પ્રેક્ટિસથી અલગ જ
ફાયદો મળે છે. અમે તમામ બોલરોને અજમાવ્યા છે. તમામ ફીટ છે અને ફોર્મમાં છે. સપાટ પીચ
પર ઝડપી બોલરોનો પ્રયાસ સારો રહ્યો કોટકે છ છક્કા ફટકારી ટીમને જીત અપાવનાર ઝડપી બોલર
મોહમ્મદ સિરાજની બેટિંગ ક્ષમતાની પ્રશંસા કરી હતી.