• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

માંડવીમાં સાંધાણનો યુવાન ટ્રક નીચે કચડાયો

ભુજ, તા. 10 : આજે બપોરે માંડવીમાં ભુજ તરફના ધોરીમાર્ગ પર અબડાસા તાલુકાના સાંધાણનો 22 વર્ષીય યુવાન મુકેશ રમેશભાઈ કોલી ટ્રક નીચે આવી જવાથી તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવ અકસ્માત કે આપઘાત હતો તે અંગે તર્ક-વિતર્ક શરૂ થયા હતા. દરમ્યાન અબડાસાના નાની બેરમાં 25 વર્ષીય યુવા પરિણીતા દક્ષાબેન વિશ્રામ પારાધીએ, જ્યારે ગાંધીધામમાં 59 વર્ષીય આધેડ અરવિંદભાઈ શ્યામજીભાઈ ચારણે ગળે ફાંસા ખાઈ જીવ દીધા હતા. માંડવીના બનાવ અંગે ઘટના સ્થળે સંબંધિતો પાસેથી મળેલી વિગતો મુજબ સાંધાણના મુકેશ કોલીના ત્રણ માસ પૂર્વે જ માંડવી ખાતેથી લગ્ન થયાં હતાં. પતિ-પત્નીની તકરારને લઈ આજે મુકેશ અને તેના કુટુંબીજનો માંડવી આવ્યા હતા. દરમ્યાન મુકેશ પગે હતો અને માંડવીથી ભુજ તરફ જતા ધોરીમાર્ગ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ટ્રક તળે કચડાઈ જવાથી તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવ સ્થળેથી લોકોએ જણાવ્યું હતું કે, યુવાને જાણી જોઈને ટ્રક તળે ઝંપલાવી દીધું હતું. આમ આ બનાવ અકસ્માતનો કે આપઘાતનો તે અંગે તર્ક-વિતર્ક શરૂ થયા છે. માંડવી પોલીસનો સંપર્ક સાધતાં પોલીસને વર્ધી મળતાં બનાવ સ્થળે પહોંચી પ્રાથમિક કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે. આ બનાવના પગલે હોસ્પિટલ ખાતે અબડાસા તાલુકા કોલી સમાજના પ્રમુખ આરબ કોલી અને બબાભાઈ કોલી, પરસોત્તમ કોલી તેમજ સમાજના અગ્રણીઓ પહોંચી મદદરૂપ બન્યા હતા. દરમયાન મૂળ નખત્રાણા તાલુકાના નાના કાદિયાના હાલે નાની બેર રહેતા દક્ષાબેને કોઈ અગમ્ય કારણોસર તા. 10/8ના રાતે એક વાગ્યાના અરસામાં નાની બેરમાં પોતાના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ લેતાં તેને સારવાર અર્થે નલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવની વિગતો વાયોર પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ગણેશનગર સેક્ટર-6માં મકાન નં. 77માં રહેતા અરવિંદભાઈએ પોતાના ઘરમાં ગઈકાલે સાંજે ચાર વાગ્યા પહેલાં કોઈ પણ સમયે કોઈ કારણોસર દોરી વડે ગળેફાંસો ખાધો હતો. આ આધેડને સારવાર માટે લવાતાં રામબાગ હોસ્પિટલના ડો. બેચર સંઘાણીએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd