• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

બાંગલાદેશને ફરી યાદ આવ્યાં હસીના

ઢાકા, તા. 10 : બાંગલાદેશે સોમવારે ભારતના ઉચ્ચાયુક્ત દિનેશ ત્રિવેદી અને વડાપ્રધાન તારીક રહેમાન વચ્ચે ઢાકામાં યોજાયેલી પ્રથમ બેઠક દરમ્યાન પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, બંને દેશ વચ્ચેના સંબંધમાં તાજેતરમાં ઊભી થયેલી તંગ સ્થિતિ વચ્ચે આ બેઠક યોજાઈ હતી. બાંગલાદેશ વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા મુજબ આ બેઠકમાં અન્ય મહત્ત્વના દ્વિપક્ષી મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ઢાકા સ્થિત ભારતીય હાઈકમિશન દ્વારા `એક્સ' પર કરવામાં આવેલી પોસ્ટ મુજબ ઉચ્ચાયુક્ત ત્રિવેદીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી બાંગલાદેશી પીએમ રહેમાનને શુભેચ્છા પાઠવી હતી અને બાંગલાદેશ સરકાર તથા ત્યાંના લોકો સાથે `હકારાત્મક, રચનાત્મક અને ભવિષ્યલક્ષી અભિગમ' સાથે કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આશરે અડધો કલાકની બેઠક બાદ બહાર પડાયેલાં નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાને બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધ મજબૂત બનાવવા યોગ્ય વાતાવરણ પૂરું પાડવા પર ભાર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે ઢાકામાં ભારતના ઉચ્ચાયુક્ત તરીકે જોડાયાના છ સપ્તાહ કરતાં પણ વધુ સમય બાદ ત્રિવેદીની બાંગલાદેશી પીએમ રહેમાન સાથે પ્રથમ સૌજન્ય મુલાકાત હતી. સત્તાધારી ભાજપના વરિષ્ઠ નેતા ત્રિવેદી આ રાજદ્વારી પદ સંભાળનારા પ્રથમ રાજકારણી છે.

Panchang

dd