ભચાઉ, તા. 10 : શહેરના મોટાભાગના વિસ્તારોમાં ફૂટપાથ ધંધાર્થીઓ માટે આશીર્વાદરૂપ
બન્યા છે, પરંતુ પગપાળા જતા રાહદારીઓ માટે મુસીબત સમાન
છે. ફૂટપાથ ઉપર દબાણ અને માર્ગો સાંકડા છે, તેના કારણે સમસ્યાઓ
ઊભી થઈ રહી છે. વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ ઉપર ધંધાર્થીઓના દબાણ છે. હવે સુપ્રીમ કોર્ટની
સૂચના છે, કાર્યવાહી કરીને રાહદારીઓ માટે રસ્તો ખુલ્લો કરવામાં
આવે. આ આદેશની અમલવારી થશે કે કેમ તે પ્રશ્ન છે. જો કાર્યવાહી કરાય તો સામે ધંધાર્થીઓ
માટે પણ હોકર્સ ઝોન બનાવવાની પણ માંગ ઊઠી છે.
ભચાઉની મુખ્ય બજારમાં સોના-ચાંદીના મોટા શોરૂમમાં ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી કરવા
આવતા લોકો આડેધડ ગાડીઓ ઊભી રાખે છે. વેપારીઓ બંને તરફ માલસામાન બહાર ગોઠવે છે. આવી
સ્થિતિમાં લોકો ચાલે તો ક્યાં ચાલે તેવો સવાલ ઊભો થયો છે. ખાનગી વાહનો પણ આડેધડ પાર્ક
કરાતા રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. એકંદરે અમુક વિસ્તારમાં ફૂટપાટ નથી,
છે ત્યાં દબાણ છે. નાસ્તાના વેપારી પાસે લોકો નાસ્તો કરવા આવતા હોવાથી
વાહનોની ભારે ભીડ સર્જાય છે. આવી સ્થિતિમાં રાહદારીઓને અકસ્માતની ભીતિ સતાવતી
રહે છે.