કૌશલ પાંધી દ્વારા : ભુજ, તા. 10 : નગરપાલિકાનાની મહેકમ શાખાના
ભૂતકાળના ગોટાળાનો ભોગ આજે નિવૃત્ત થયેલા કર્મચારીઓ
બની રહ્યા છે અને તેમને પોતાના હક્કથી વંચિત રખાતા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. કુલ
209માંથી 176 કર્મચારીએ છઠ્ઠા પગારપંચ અને
તેના એરિયર્સથી વંચિત રહ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સુધરાઈના મંજૂર થયેલા
સેટઅપ મુજબના 132 કર્મીઓ પૈકી 42ને છઠ્ઠા પગારપંચના લાભ સાથે એરિયર્સની
રકમ પણ ચૂકવાઈ, જ્યારે બાકીના 90 કર્મીને આ લાભ નથી અપાયો. અત્રે
ઉલ્લેખનીય છે કે, 90 કર્મચારીઓને લાભ મળ્યો છે તે
પૈકીના 34 કર્મચારીઓથી મોસ્ટ સિનિયર છે.
અહીં એ પણ નોંધવું ઘટે કે, આ 90 કર્મીમાંથી અંદાજે 15 કર્મી અવસાન પામ્યા છે અને
તેમના વારસદારો લાભથી વંચિત રખાતાં રોષની લાગણી ફેલાઈ હતી. સમગ્ર પ્રકરણ પર વિગતે વાત
કરીએ તો વર્ષ 2010ની સુધરાઈની સામાન્ય સભામાં
કાયમી કર્મીઓને છઠ્ઠા પગારપંચનો લાભ આપવા ઠરાવાયું અને 209 કર્મીનાં નામજોગ નિયામક ગાંધીનગર-
અને પ્રાદેશિક નિયામક-રાજકોટને દરખાસ્ત મોકલાઈ, પણ આ માટે મંજૂરીમાં વિલંબને પગલે કચ્છ જિલ્લા વિકાસ મજદૂર સંઘ ટ્રેડ યુનિયને
હાઈકોર્ટમાં દાદ માગી અને 232 કર્મીનું લિસ્ટ રજૂ કર્યું. વર્ષ 2022માં ગાંધીનગરથી સુધરાઈના મંજૂર
થયેલા કાયમી સેટઅપ ઉપર નિમણૂક પામેલા કર્મીઓને વર્ષ 2006થી મંજૂરી આપી અને 2011થી પગારમાં રોકડ ચૂકવણું કરવા
જણાવ્યું. નગરપાલિકા દ્વારા 209 કર્મીની દરખાસ્ત
મોકલાઈ હતી. જેમાં કાયમી મહેકમવાળા 132 કર્મી પૈકી 42ને છઠ્ઠા પગારપંચ-એરિયર્સનો લાભ અપાયો, 90ને બાદ રખાયા, લેબર કોર્ટના હુકમથી કામથી થયેલા 77 કર્મી પૈકી 34ને કોર્ટના હુકમથી સેવા વિનિયમિત કરવાની
કાર્યવાહી નિયામકમાં ચાલુ છે. બાકી રહેતા 43 કર્મી 1985થી 87 સુધી લેબર કોર્ટના હુકમ મુજબ
કાયમી થયા જેમને વર્ષ 2025માં સેવા
વિનિયમિત કરવા નિયામકે મંજૂરી આપી. યુનિયન
તરફથી કરાયેલા કેસમાં હાઈકોર્ટે જે કર્મી પાંચમા પગાર ધોરણનો લાભ લેતા હોય તેમને છઠ્ઠા પગાર ધોરણનો લાભ આપવા અને તેની વહીવટી પ્રક્રિયા
પૂર્ણ કરવા સુધરાઈને જણાવ્યું, પણ નગરપાલિકાએ
આપેલા સમયગાળામાં પ્રક્રિયા પૂર્ણ ન કરતાં યુનિયને હાઈકોર્ટમાં કન્ટેમ્પ અરજી દાખલ
કરી. અહીં એ પણ સવાલ ઊઠયો છે કે, વર્ષ 1982માં લેબર કોર્ટના હુકમથી 34 કર્મી કાયમી થયા અને સુધરાઈના
સત્તાધીશો-અધિકારીઓએ વર્ષ 1985થી આ કર્મી
મહેકમમાં ખાલી પડેલ જગ્યાઓ પર નિયમિત સમાવેશ કર્યા બાદ ઉચ્ચતર પગાર માટે 261 કર્મીની નામજોગ દરખાસ્ત કરાવા
પ્રાદેશિક નિયામકે મંજૂરી આપી, તો 34 કર્મીને બીજી વખત વિનિયમિત
કરવા શા માટે કાર્યવાહી કરવામાં આવી છે. આમ તમામ બાબતો ધ્યાને લેતાં વર્ષ-2025ના તમામ કર્મીને છઠ્ઠા પગાર
ધોરણનો લાભ આપવા હુકમ થયો છે જેની અમલવારી કરાય અને તમામ કર્મીને લાભ અપાય તેવી લાગણી
ફેલાઈ છે. ઉપરોક્ત બાબતે પૂરક વિગતો રાજેશભાઈ જેઠી,
દિલીપભાઈ સોલંકી, દર્શક અંતાણી, ભૂપેન્દ્રભાઈ મહેતાએ આપી હતી.