• ગુરુવાર, 25 જૂન, 2026

ગિફ્ટ સિટીમાં હવે વિદેશી દારૂ સસ્તો મળશે

અમદાવાદ, તા.24 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગાંધીનગરથી ગિફ્ટ સિટી સંદર્ભે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટીમાં ગ્લોબલ બિઝનેસ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે સરકારે વિદેશી દારૂ પર લાગતો વેટ 65 ટકાથી ઘટાડીને 25 ટકા કર્યો છે. નાણાં વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. આ નિર્ણયથી ગિફ્ટ સિટીની હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટીનો લાભ લેનારાઓ માટે વિદેશી દારૂ હવે ઘણો સસ્તો થશે.  રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર, ગિફ્ટ સિટીમાં અત્યાર સુધી વિદેશી દારૂ પર 65 ટકા જેટલો ઊંચો વેટ વસૂલવામાં આવતો હતો. સરકારે આ આકરા ટેક્સ માળખામાં મોટો કાપ મૂકીને વેટનો દર સીધો ઘટાડીને 25 ટકા કરી દીધો છે. આ ઉપરાંત, ગ્રાહકો પર પડતો સૌથી મોટો બોજ એટલે કે દર 30 મિલીના સર્વિંગ પર લેવામાં આવતી આશરે 240 રૂપિયાની વિશેષ ફી (સ્પેશિયલ ફી)ને પણ સરકારે સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. અહીં એ નોંધવું ઘટે કેવેટમાં ઘટાડાનો આ લાભ દરેક વ્યક્તિને નહીં મળે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ તરફથી જે ડીલર્સ પાસે સત્તાવાર અને અધિકૃત લાયસન્સ હશે, માત્ર તેમને જ આ વેટ મુક્તિનો લાભ મળવાપાત્ર રહેશે. ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાઇનાન્સિયલ હબ બનાવવાના હેતુથી સરકારે અગાઉ દારૂબંધીમાંથી મુક્તિ આપી હતી, અને હવે ટેક્સમાં આ રાહત આપીને ત્યાંના બિઝનેસ એન્વાયરમેન્ટને વધુ ગ્લોબલ ટચ આપવાનો પ્રયાસ કર્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કર રાહત માત્ર ગિફ્ટ સિટીના નિર્ધારિત મંજૂર વિસ્તારની અંદર આવેલી વાઇન એન્ડ ડાઇન સુવિધાઓમાં પીરસાતા વિદેશી દારૂ માટે જ લાગુ પડશે. અગાઉ મોટા જથ્થામાં લીટર દીઠ 8000 રૂપિયાની આ ઊંચી વિશેષ ફી અને તેના પર લાગતા ભારે કરવેરાના કારણે ગિફ્ટ સિટીમાં દારૂના ભાવ મુંબઈ કે દિલ્હી જેવા શહેરો કરતાં પણ બમણાથી વધુ હતા, જેના કારણે ત્યાં આતિથ્ય સત્કાર (હોસ્પિટાલિટી) અને ખાદ્યપદાર્થોના વ્યવસાયનો ધાર્યો વિકાસ થઈ શકતો ન હતો. - વાઈન એન્ડ ડાઈનમાં કેટલો ફરક પડશે ? : સરકારના આ નવા જાહેરનામાથી ગિફ્ટ સિટીમાં વાઇન-એન્ડ-ડાઇનનો અનુભવ ઘણો સસ્તો થશે. ગણતરી મુજબ, અગાઉ જે 30 મિલી પીણાની મૂળ કિંમત 100 રૂપિયા હતી, તે તમામ વેરા અને 240 રૂપિયાની ફિક્સ ફી સાથે ગ્રાહકને 561 રૂપિયામાં પડતી હતી, જે હવે ઘટીને માત્ર 125 રૂપિયા થઈ જશે. તેવી જ રીતે, 1000 રૂપિયાની મૂળ કિંમતવાળું પ્રીમિયમ પીણું જે પહેલાં 2046 રૂપિયામાં મળતું હતું, તે હવે માત્ર આશરે 1250 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2023માં ગુજરાત સરકારે પ્રથમ વખત ગિફ્ટ સિટીમાં દારૂબંધી સંબંધિત નિયમોમાં છૂટ આપી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2025 દરમિયાન પણ કેટલાક નિયમોમાં વધુ સરળતા લાવવામાં આવી હતી.  

Panchang

dd