• ગુરુવાર, 25 જૂન, 2026

ગાંધીધામ રેલવે સ્ટેશનના રિડેવલમપેન્ટની ગાડી પાટે ચડી

ગાંધીધામ, તા. 24 : રેલવે દ્વારા અમૃત ભારત સ્ટેશન  યોજના તળે દેશભરના રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાની દિશામાં  કામગીરી હાથ ધરાઈ છે તે અંતર્ગત હાલ કચ્છના  જિલ્લા મથક ભુજ સહિતના રેલવે સ્ટેશનોને આધુનિક  બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. તેની સાથો સાથ હવે  કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામના હયાત રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ માટેની પણ ગતિવિધિ આરંભાઈ છે. માતબર રકમના ખર્ચે  શહેરને  ભવિષ્યમાં શહેરને એક નહીં પણ બે રેલવે સ્ટેશનની ભેટ મળશે. અમૃત ભારત રેલવે સ્ટેશન પરિયોજના અંતર્ગત ભુજ રેલવે સ્ટેશન, ઉપરાંત ભચાઉ અને  સામખિયાળી રેલવે સ્ટેશનનો આ યોજના તળે સમાવેશ થયો છે.  જે પૈકી સામખિયાળી રેલવે સ્ટેશનનું  કામ પૂર્ણ થયું છે અને ભચાઉ અને ભુજની કામગીરી ધમધોકાર ચાલી રહી છે. ચાલુ વર્ષના અંત સુધીમાં  ભુજના એરપોર્ટ જેવા રેલવે સ્ટેશનની ભેટ કચ્છને  મળવા જઈ રહી છે . ગાંધીધામમાં રેલવે દ્વારા હયાત સ્ટેશને એન્જિન બદલાવવા માટે 20  મિનિટ જેટલા લાગતા સમયની  બચત કરવા માટે ફલેગ સ્ટેશન જાહેર થયેલા ગોપાલપુરી રેલવે સ્ટેશનનું  કરોડોના ખર્ચે નિર્માણ કરાયું છે અને અહીં  પ્રવાસીઓને અંડરપાસ  સહિતની આધુનિક સુવિધાઓ સાથેના રેલવે  સ્ટેશનની ભેટ આપવામાં આવી છે, ત્યારે ગાંધીધામના હયાત રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ નહીં કરાય તેવી ચર્ચા છેડાઈ હતી. હાલ ગોપાલપુરી રેલવે સ્ટેશનનું  નવનિર્માણનું કાર્ય પૂર્ણતાના આરે છે, ત્યારે ગાંધીધામવાસીઓને બીજા આધુનિક રેલવે સ્ટેશનની ભેટ આપવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો  મુજબ રેલવે પ્રશાસન દ્વારા બોર્ડમાં ગાંધીધામના હયાત રેલવે સ્ટેશનના  રિડેવલપમેન્ટ  માટેની દરખાસ્ત કરી દેવાઈ છે. અંદાજે  78 કરોડ જેટલી રકમના ખર્ચે  હયાત રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરાશે.   અગાઉ પણ   આ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે ગતિવિધિ હાથ ધરાઈ  હતી અને ત્રણ-ચાર ડિઝાઈન પણ બનાવવામાં આવી હતી, પરંતુ  આયોજન પડતું મુકાયું હતું અને ગોપાલપુરી રેલવે સ્ટેશનનું નિર્માણ શરૂ કરાયું હતું, પરંતુ હવે  ફરી  આ  જૂના રેલવે  સ્ટેશનના પુન:નિર્માણ માટેની  ગાડી પાટે ચડી છે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવીનીકરણની ડિઝાઈન બનાવવા સહિતની  ગતિવિધિઓ ચાલુ છે.  અમૃત ભારત રેલવે સ્ટેશનની  યોજનામાં સ્ટેશનની ડિઝાઈનમાં રેલવે   દ્વારા સ્થાનિક ઓળખને  ધ્યાનમાં  રાખવામાં આવી છે, જે અંતર્ગત ભુજ રેલવે સ્ટેશનમાં મડવર્કની ડિઝાઈન રાખવામાં  આવી છે, જેથી સ્ટેશન પ્રત્યે પોતીકાપણાની ભાવના વિકસે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગાંધીધામ રેલવે સ્ટેશનમાં  અનેક વિકાસકાર્યો હાથ ધરાયા છે. કચ્છની  સંસ્કૃતિને દર્શાવતા  ભીંતચિત્રો, યાર્ડ રિમોડલિંગ અંતર્ગત  ચોથું અને પાંચમું પ્લેટફોર્મ, નવી લાઈનસ્ટેશનના ફ્રન્ટ ઉપર ગ્લાસ એલીવેશન, સુવિધાસભર વેઈટિંગરૂમ, એસ્કેલેટર, લિફ્ટ સહિતના વિકાસકાર્યો સમયાંતરે  હાથ ધરાયા છે, ત્યારે  આગામી સમયમાં વ્યાપક સર્ક્યુલેટિંગ એરિયા ધરાવતું આ રેલવે સ્ટેશન વધુ આધુનિક બનશે. 

Panchang

dd