નલિયા, તા. 24 : અબડાસા તાલુકાના કોઠારા વિસ્તારના
70 જેટલા ખેડૂતના અંદાજે બે કરોડ
રૂપિયા અબડાસા ખાતેના સરકારી ઘઉં ખરીદ કેન્દ્ર પર અટવાઈ પડતાં ખેડૂતોની હાલત અત્યંત
દયનીય બની ગઈ છે. એક મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં ઘઉં વેચાણના નાણાં ખેડૂતોના
ખાતામાં જમા ન થતાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો
સામનો કરી રહ્યા છે. ખાસ કરીને હાલ કપાસ વાવેતરની સિઝન પૂરબહારમાં ખીલી છે, ત્યારે
વાવેતર માટે જરૂરી નાણાંની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ
વિવિધ ખેડૂતોના રૂપિયા અટવાઈ પડતાં ખેડૂતોના તમામ કામો ઠપ થઈ ગયા છે.વાંકુ ગામના ખેડૂત
જુવાનસિંહ એ. જાડેજાએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું કે, કોઠારા
વિસ્તારના 70 જેટલા ખેડૂતે
અબડાસા ઘઉં કેન્દ્ર પર પોતાના પરસેવો ગાળીને પકવેલા ઘઉં વેચ્યા હતા. એક મહિનો ઉપર થઈ
ગયો છે, પણ હજુ સુધી રૂપિયા જમા થયા નથી. અત્યારે કપાસ
વાવેતરનો સમય છે અને બિયારણ, ખાતર તથા મજૂરી માટે રૂપિયાની તાતી
જરૂર છે. વિવિધ ખેડૂતોના બે કરોડ રૂપિયા અટવાઈ પડતાં અમે બિલકુલ લાચાર બની ગયા છીએ.
ખેતીકામ અટક્યું છે, પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું
છે. ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ કે કાર્યવાહી કરવામાં આવી નથી, જેને કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો
કરે છે, ત્યારે બીજી તરફ આવા પ્રાથમિક પ્રશ્નોમાં ખેડૂતોને રઝળપાટ કરવાનો વારો
આવી રહ્યો છે. કોઠારા વિસ્તારના 70 ખેડૂતની વેદનાને ધ્યાનમાં લઈ,
સંબંધિત વિભાગો તાત્કાલિક ધોરણે અટવાયેલા બે કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવે તેવી પ્રબળ માગણી
ઊઠી રહી છે. જો આ પ્રશ્નનો ઝડપથી નિકાલ નહીં
આવે તો ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે તેવી ચીમકી અપાઈ છે.