• ગુરુવાર, 25 જૂન, 2026

છારીઢંઢનો કિનારો મૃત માછલીઓથી ઊભરાયો

બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 24 : હાલમાં જ પશ્ચિમ બન્નીના કીરો ડુંગર અને છારીઢંઢ વિસ્તારને રામસર સાઇટ તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતા મળ્યા પછી ગુજરાતનો આ વિસ્તાર પાંચમા જળપ્લાવિત વિસ્તાર તરીકે ઊભર્યો છે. પક્ષીઓ માટે સ્વર્ગ ગણાતા વિસ્તારના છારીઢંઢમાં એકીસાથે હજારોની સંખ્યામાં માછલીઓ મોતને ભેટતાં સ્થાનિક લોકો, પર્યાવરણવાદીઓ અને પ્રકૃતિપ્રેમીઓમાં નારાજગી ફેલાઇ છે. છેલ્લા એક-બે દિવસથી છારીઢંઢના પૂર્વ-ઉત્તર ભાગમાં વન વિભાગે ઊભા કરેલા વોચ ટાવરની આસપાસનો કિનારો મોટી સંખ્યામાં માછલીઓના મૃતદેહ અને તેની દુર્ગંધથી ખદબદી રહ્યો છે. માલધારી લોકો કહે છે, દર વર્ષે આ સમયગાળા દરમ્યાન ઢંઢમાં માછલીઓ મોતને ભેટે છે, પણ ચાલુ સાલે મરણનું સ્તર મોટું છે. આ બાબતે છારીઢંઢ વિસ્તારની રેન્જ ફોરેસ્ટ ઓફિસ નખત્રાણાના પશ્ચિમ રેન્જના રેન્જ ફોરેસ્ટર વિજયકુમાર મોદીએ જણાવ્યું હતું કે, જૂન માસના મધ્યમાં છારીઢંઢમાં પાણીનું સ્તર ઘટી ગયા પછી ભારે તાપને કારણે પાણી ગરમ બનતાં માછલીઓ મોતને ભેટી છે. ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી ભારે પવનને કારણે ઊડતી ક્ષારયુક્ત માટી પાણી સાથે મિશ્રિત થઇ જતાં પાણીમાં ખારાશનું પ્રમાણ વધ્યું છે, જેને લઇ ગરમ પાણી ભારે ડહોળું બની જતાં માછલીઓ મૃત્યુ પામી છે. ચાલુ સાલે માછલીઓનાં મોત વધુ પ્રમાણમાં છે, તેની ચોખવટ કરતાં આ અધિકારીએ જણાવ્યું કે, સામાન્ય રીતે જૂન માસના આ સમયગાળામાં થોડોઘણો વરસાદ થયા પછી પાણીનું સ્તર જળવાઇ રહે છે, પરંતુ વરસાદના વિલંબને લઇ માછલીઓ મૃત્યુ પામી છે. વળી ભારે પવનના કારણે ઢંઢમાં મરણ પામેલી માછલીઓ પાણીની લહેરો સાથે તણાઇ એક જ કિનારાની આસપાસ ભારે પ્રમાણમાં જમા થઇ જતાં મોટા જથ્થામાં માછલીઓ મૃત્યુ પામી છે તેવા દૃશ્યો જોવાં મળે છે. બીજાબાજુ આ વિસ્તારના ફુલાય, તલ, છારી, ભગાડિયા સહિતનાં ગામોના સ્થાનિક લોનોના જણાવ્યા મુજબ ઢંઢમાં પાણી ઓછું થયા પછી અનેક લોકો માછીમારીનો ધંધો કરી રોજગારી મેળવે છે, પરંતુ આ વર્ષે પ્રવૃત્તિ પર રોક લગાવી દેવાતાં માછલીઓનો મરણઆંક મોટો થયો છે. એટલું જ નહીં કેટલાક લોકો ખોરાક પૂરતી માછલી પકડવા ગયેલા લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાના આરોપો લગાવ્યા છે, જેનો ખુલાસો કરતાં વન વિભાગ કહે છે કે, વન વિસ્તારની હદમાં આવતા છારીઢંઢમાં માછીમારીની પ્રવૃત્તિ પર રોક છે. અત્યારે મૃત માછલીના ભારે જથ્થાના નિકાલ અંગે વન વિભાગે જણાવ્યું કે, વહેલામાં વહેલી તકે સ્થાનિક કે બારાતુ મજૂરો રાખીને માછલીના મૃતદેહોને એકત્ર કરી મોટા ખાડામાં દાટી તેનો નિકાલ કરવામાં આવશે. 

Panchang

dd