નવી દિલ્હી, તા. 24 : બ્રાઝિલના
પત્રકાર અને ભૂ-વ્યૂહાત્મક નિષ્ણાત પેપે એસ્કોબારના એક દાવાએ પાકિસ્તાનથી ઈરાન સુધી
સનસનાટી મચાવી છે. તેમણે કહ્યું છે કે, ઇઝરાયલની શક્તિશાળી ગુપ્તચર એજન્સી મોસાદે પાકિસ્તાનના લશ્કરી વડા,
ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને તેમના સમગ્ર પ્રતિનિધિમંડળની હત્યા કરવાની
યોજના ઘડી હતી. દાવા મુજબ જ્યારે પાકિસ્તાની લશ્કરી વડા ઈરાન શાંતિ વાટાઘાટો માટે સ્વિત્ઝર્લેન્ડના
જીનિવામાં હતા ત્યારે આ હત્યાનું કાવતરું રચાયું હતું. તેમણે રાજકીય વિવેચક અને ઇન્ટરનેટ પર્સનાલિટી મારિયો
નૌફલ સાથેની પોડકાસ્ટ દરમિયાન આ દાવો કર્યો હતો. એસ્કોબારએ આક્ષેપ કર્યો હતો કે,
પાકિસ્તાની લશ્કરી ગુપ્તચર એજન્સીને `ખૂબ જ વિશ્વસનીય માહિતી' મળી હતી કે મોસાદ સ્વિત્ઝર્લેન્ડમાં ઉચ્ચ સ્તરીય
વાટાઘાટો દરમિયાન મુનીર અને પાકિસ્તાની પ્રતિનિધિમંડળના અન્ય સભ્યોને મારી નાખવાની
તૈયારી કરી રહ્યું છે. પોડકાસ્ટ દરમિયાન, મારિયો નૌફલે એસ્કોબારને
રાજદ્વારી વાટાઘાટો પાછળ પાકિસ્તાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવના અહેવાલો વિશે પૂછ્યું
ત્યારે એસ્કોવારે દાવો કર્યો હતો કે,
`પાકિસ્તાની સૈન્યને ખૂબ જ વિશ્વસનીય માહિતી મળી હતી કે મોસાદ, નેતન્યાહુના આદેશ પર અસીમ મુનીર અને કદાચ સ્વિત્ઝર્લેન્ડ
જઈ રહેલા બાકીના પાકિસ્તાની પ્રતિનિધિમંડળની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યું છે.'
મોસાદના કથિત કાવતરાની જાણ થતાં, પાકિસ્તાની અધિકારીઓએ
રાજદ્વારી મધ્યસ્થી દ્વારા પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનીઓએ મધ્યસ્થી દ્વારા સીધો સંદેશ મોકલ્યો હતો. મને લાગે છે કે,
આ કિસ્સામાં, ઓમાન દ્વારા સીધો સંદેશ ઇઝરાયલને
મોકલવામાં આવ્યો હતો. જો તમે અમારા પ્રતિનિધિમંડળને સ્પર્શ કરશો, તો અમે તમને નકશા પરથી ભૂંસી નાખીશું, એસ્કોબારના દાવાની
સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી, ન તો પાકિસ્તાન અને ઇઝરાયલની
સરકારો દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી છે. તેમના દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા
પણ નથી. પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે
મધ્યસ્થી તરીકે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. બંને દેશો વચ્ચેના પ્રારંભિક કરારને
`ઈસ્લામાબાદ સમજૂતી કરાર' નામ આપવામાં આવ્યું હતું. ઈસ્લામાબાદ સમજૂતી
કરાર પર વધુ વાટાઘાટો જીનિવામાં યોજાઈ હતી, જેમાં યુએસના ઉપરાષ્ટ્રપતિ
જે.ડી. વાન્સ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. ઈઝરાયલી નેતાઓએ આ વાટાઘાટની
ટીકા કરી હતી.